ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીના 3 મોટા નેતાનાં ઘરે એકસાથે ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. મઉમાં સપાના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાય, લખનઉમાં જૈનેન્દ્ર યાદવ અને મૈનપુરીમાં મનોજ યાદવનાં ઘરે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ત્રણેય નેતા સપા-અધ્યક્ષ અખિલેશ યાદવના ખાસ માનવામાં આવે છે. આ પાર્ટીના ફાઈનાન્સર માનવામાં આવે છે.જૈનેન્દ્ર યાદવ અખિલેશ મુખ્યમંત્રી હતા ત્યારે OSD પણ રહી ચૂક્યા છે. ચૂંટણી પહેલાં આ પ્રમાણેના દરોડાને રાજકીય એંગલથી પણ જોવામાં આવે છે.
રાજીવ રાયની દુબઈ અને બેંગલુરુમાં એન્જિનિયર અને મેડિકલ કોલેજ
સૌથી પહેલા શનિવારે સવારે 7 વાગે રાજીવ રાયના મઉમાં શહાદતપુરામાં આવેલા ઘરે દરોડા પાડવામાં આવ્યા. રાય 2014માં લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. રાયના દુબઈ અને બેંગલુરુમાં મેડિકલ કોલેજ છે. ઈન્કમટેક્સના દરોડાની માહિતી મળતાં જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેમના ઘરે પહોંચી ગયા હતા. તેઓ ભાજપ સરકારના વિરોધમાં નારેબાજી કરી રહ્યા છે.
રાયે ઘોસીથી ચૂંટણી લડવાની તૈયારી કરી
રાજીવ રાય શરૂઆતથી જ સપા સાથે જોડાયેલા છે. ભૂમિહાર નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. મઉ, બલિયા અને ગાઝીપુર વિસ્તારમાં તેઓ ભૂમિહાર સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ મૂળ બલિયાના છે. અખિલેશ યાદવ રાજીવ રાયને ઘોસીથી ચૂંટણી લડાવવા માગતા હતા. તેના માટે તેઓ ત્રણ મહિના પહેલાં જ મઉ શિફ્ટ થયા છે. ત્યાં હમણાં જ તેમણે ઘર લીધું છે અને તેમની ઓફિસ શરૂ કરી છે.
અખિલેશના OSD રહી ચૂક્યા છે જૈનેન્દ્ર યાદવ
લખનઉમાં જૈનેન્દ્ર યાદવના ગોમતી નગરવાળા ઘરે પણ ઈન્કમટેક્સની ટીમ પહોંચી છે. તેઓ અખિલેશના ખાસ હોવાના કારણે તેમના OSD બન્યા હતા. ત્યાર પછી જૈનેન્દ્ર યાદવે રિયલ એસ્ટેટસમાં પ્રવેશ કર્યો હતો. આગ્રા, લખનઉ અને અન્ય ઘણાં મોટાં શહેરોમાં જૈનેન્દ્રની ઘણી જમીન છે. એ સિવાય તેમની મિનરલ પાણીની ફેક્ટરી પણ છે.