આદિવાસી વિરોધી ભાજપની નીતિઓના વિરોધમાં સતત લડત આપતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનાં હુમલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ : પવન ખેરા
ગુજરાત કોંગ્રેસના નેતાઓએ જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના અધ્વેત આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યાં
અમદાવાદ
આદિવાસી વિરોધી ભાજપની નીતિઓના વિરોધમાં સતત લડત આપતા કોંગ્રેસના વાંસદાના યુવા ધારાસભ્ય અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને સખત શબ્દોમાં વખોડતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસીઓના હક્ક અને અધિકાર માટે છેલ્લા લાંબા સમયથી શાંતિપૂર્ણ અને ગાંધીચિંધ્યા માર્ગે તાપી પાર લીંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા ઘાતકી હુમલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ. જળ, જંગલ અને જમીનને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ કટીબધ્ધ છે. રાહુલ ગાંધીજીએ પણ કાયરતા પૂર્ણ કરવામાં આવેલા હુમલાને નિંદનીય ગણાવ્યું છે અને આ સુનિયોજીત હુમલો ભાજપ સરકારની ગભરાહટ દર્શાવે છે. કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તા – આગેવાનો આદિવાસી ભાઈ-બહેનોના હક્ક અધિકાર માટે છેલ્લા શ્વાસ સુધી લડશે. આદિવાસી વિરોધી યોજનાઓને પરત લેવાને કારણે બોખલાયેલી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને શ્રી અનંતભાઈ પટેલે ઘુંટણીએ પાડી દીધી હતી. જે વાત ભાજપને સતત ખટકી રહી છે. કોંગ્રેસના લોકપ્રિય ધારાસભ્ય અનંતભાઈ પટેલ 10 ઓક્ટોબરના રોજ આદિવાસીઓના અધિકારો માટે “સંઘર્ષ રેલીનું” આયોજન કર્યું છે. જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો, આદિવાસી આગેવાનો, યુવાનો જોડાશે. ત્યારે હાર ભાળી ગયેલી ભાજપ સરકારે તંત્રનો દુરુપયોગ, જુદા જુદા હથકંડાઓ, સામ, દામ, દંડ, ભેદની નીતિથી તેમને રોકવા માટે સુનિયોજીત હુમલો કરવામાં આવ્યો છે. પોતાની સત્તા ટકાવી રાખવા બેબાકડી બનેલી ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો, પોલીસ તંત્રનો, વહિવટીતંત્રનો દુરુપયોગ કરી રહી છે પરંતુ કોંગ્રેસ પક્ષ ડર્યા વગર ઈંટનો જવાબ પથ્થરથી આપશે. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં પવન ખેરાએ જણાવ્યું હતું કે, દિલ્હીના ડ્રામેબાજ ગુજરાતમાં આવીને જુદા જુદા ડ્રામા કરે છે. ગુજરાતમાં મત માંગવા માટે પોતાને કૃષ્ણનો અવતાર બતાવે છે અને દિલ્હીમાં મત મેળવવા હનુમાનનો અવતાર બતાવે છે. “એક મોકાની વાત કરતા” હરિયાણાના કેજરીવાલને ખુલ્લી ચેલેન્જ છે કે 24 કલાકમાં ગુજરાતની જનતાને જણાવે કે તે કઈ સીટ ઉપરથી ચૂંટણી લડશે ? જનતાના મંદી – મોંઘવારી – બેરોજગારી જેવા મુળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ચૂંટણી ટાણે પોસ્ટર વોર કરીને ભાજપ અને તેની બી-ટીમ નાગરિકોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે. ગુજરાત કોંગ્રેસના “કોંગ્રેસ પક્ષનું કામ બોલે છે” પોસ્ટર, ભાજપના પોસ્ટર અને આપ પાર્ટીના પોસ્ટરનો અભ્યાસથી ખ્યાલ આવશે કે, કઈ પાર્ટી ગુજરાતની જનતા માટે મુળમુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખી જનલક્ષી – પ્રગતિલક્ષી કામગીરીની વાત કરી રહી છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માજી અને એ.આઈ.સી.સી. મીડીયા કોર્ડીનેટર ડૉ. ચૈનિકા ઉનિયાલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પ્રદેશ પ્રવક્તા નૈષદ દેસાઈ, મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ, મીડીયા પેનાલીસ્ટ હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપની રાજકીય ગુંડાગીરી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આદિવાસીના પ્રશ્નોને લઈને સતત લડાઈ લડતા ગુજરાતના યુવાન ધારાસભ્યની વધતીજતી પ્રતિષ્ઠાથી બોખલાઈ ભાજપના લોકો દ્વારા ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. ધારાસભ્ય અનંત પટેલ ઉપર કરવામાં આવેલ હુમલો એ સમસ્ત આદિવાસી સમાજ પરનો હુમલો છે. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, વાંસદાના ઉનાઈ ગામે પહોંચી ધારાસભ્ય અનંત પટેલની ન્યાય માટેની લડતમાં જોડાયા હતા.
આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા સહિત આગેવાન અને કાર્યકર્તાઓએ અધ્વેત આશ્રમ અમદાવાદ ખાતે જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.આ પ્રસંગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, “સનાતન ધર્મએ હંમેશા આપણી સંસ્કૃતિને ભાઈચારાનો રસ્તો દર્શાવ્યો છે. આજે અધ્વેત આશ્રમમાં આવીને શંકરાચાર્યજીના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તેમની પાસે ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે અને દેશમાં કોઈ દુઃખી ના રહે તેના માટે કામના કરીને આશીર્વાદ મેળવ્યાં છે.”આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પંકજ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલ સહિત શહેરના આગેવાનશ્રીઓ તથા કાર્યકર્તાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી શંકરાચાર્યજીના દર્શન અને આશીર્વાદ મેળવ્યાં હતાં.