મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે : CM
ગાંધીનગર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ગાંધીનગરના રાજભવન ખાતે મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રીને મોરબીમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની ત્યારથી ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. દુર્ઘટનાને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ફરી એકવાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.ઉચ્ચ સ્તરીય બેઠકમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.
ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.