ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે, અમે માત્ર આપણા લોકોને નહીં પણ પાડોશી દેશના તે લોકોને પણ પાછા લાવવા માટે તૈયાર હતા, જે આવવા માગતા હતા. આ એક પ્રસ્તાવ હતો જે આપણા દરેક પાડોશી દેશો માટે બનાવવામાં આવ્યો હતો, પણ તેમાં માત્ર માલદીવે જ તેના 7 નાગરિકોને પ્રસ્તાવનો લાભ ઉઠાવવાનું યોગ્ય સમજ્યું.
ચીનમાં કોરોના વાયરસને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું કે, ભારતના લગભગ 80 વિદ્યાર્થીઓ વુહાનમાં છે. જેમાંથી 10 વિદ્યાર્થીઓ એરપોર્ટ પર આવ્યા હતા પણ સ્ક્રીનિંગ બાદ ચીનની ઓથોરિટીએ તેમને ફ્લાઈટમાં ચઢવાની પરવાનગી આપી નહીં. કારણ કે તેમને તાવ હતો. ભારતીય એમ્બેસી દરેક વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને અમે નિયમિત રીતે તેમની સ્થિતિને મોનિટર કરી રહ્યા છે.
ગુરુવારે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત કોરોના વાયરસ પ્રભાવિત હુબેઈ પ્રાંતમાંથી પાકિસ્તાની વિદ્યાર્થીઓને ત્યાંથી લાવવાનો વિચાર કરી શકે છે. પણ પાકિસ્તાને આ બાબતે કોઈ વાત કરી નથી. આ પહેલા ચીનમાં કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને વુહાનથી 324 ભારતીયોને એરઈન્ડિયા ફ્લાઈટ દ્વારા ભારત લાવવામાં આવ્યા છે.
ભારતે વુહાનમાંથી શનિવારે અને રવિવારે માલદીવના 7 નાગરિકો સહિત 654 લોકોને કાઢ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા બાબતે પાકિસ્તાની વિદ્યાર્થીઓએ પણ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પોતાની સરકારને પણ ભારત જેવું કરાવનું કહ્યું છે.
જણાવી દઈએ કે, ચીનમાં કોરોના વાયરસનું કેન્દ્ર વુહાનમાં ઘણા પાકિસ્તાની વિદ્યાર્થીઓ ફસાયા છે પરંતુ, પાકિસ્તાન સરકાર તેમને ત્યાંથી બહાર કાઢવા તૈયાર નથી. પાકિસ્તાનના વિદ્યાર્થીઓ સતત વીડિયો દ્વારા પાકિસ્તાની સરકારને ત્યાંથી બહાર કાઢવાની અપીલ કરી રહ્યા છે અને સાથે જ ભારત દ્વારા પોતાના વિદ્યાર્થીઓ અને લોકોને ચીનમાંથી બહાર કાઢવાની બાબતનું ઉદાહરણ પણ આપી રહ્યાં છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે.