લાંબા ગાળે શેરબજાર ચોક્કસપણે ઉચ્ચ વળતર આપશે : ઋતુજા પટેલ
અમદાવાદ
GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા શેર બજારમાં સરળ રીતે કેવી રીતે રોકાણ કરી શકાય તે વિષય પર એક સુંદર સેમિનાર યોજવામાં આવ્યો હતો.GCCIના વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ પરીખે મુખ્ય વક્તા અને તમામ સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને નોંધ લીધી હતી કે સેમિનાર બધા માટે ખૂબ જ ઉપયોગી થશે.બિઝનેસ વુમન કમીટીના ચેરપર્સન ઋતુજા પટેલે પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્યું કે શેરબજાર અત્યંત ગતિશીલ વ્યવસાય છે. તેઓએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના પોતાના અનુભવો પણ શેર કર્યા. તેઓએ જણાવ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેરો ચોક્કસ નફાકારક સાબિત થયા છે. શેરબજારોની તેજી વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે ભારતનો વધતો મધ્યમ વર્ગ ભારતીય અર્થતંત્રને વધુ આગળ લઈ જશે અને વર્તમાન સમયમાં ચોક્કસ પડકારો હોઈ શકે છે પરંતુ લાંબા ગાળે શેરબજાર ચોક્કસપણે ઉચ્ચ વળતર આપશે.
આ પ્રસંગે મુખ્ય વક્તા અને વેલ્થ ફિનવાઇઝરના કો-ફાઉન્ડર તેમજ લિટલ ફ્લાવર સ્કૂલના કો- ઓનર જનક શાહે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને તેના પરિણામે શેરબજારોમાં વધતા જતા રસ વિષે વાત કરી હતી. તેમણે છેલ્લા બે દાયકામાં સેન્સેક્સની સફર વિશે ટિપ્પણી કરી હતી. તેમણે સલાહ આપી હતી કે વ્યક્તિ એ બધા જ ઇંડા એક ટોપલીમાં ન રાખવા જોઈએ અને ભારપૂર્વક જણાવ્યું કે રોકાણના વિકલ્પોમાં સ્ટોક માર્કેટ અને જમીન શ્રેષ્ઠ છે. તેમણે શેરબજારના રોકાણકારોના પ્રકારો વિશે વાત કરી હતી જેવાકે ટૂંકા ગાળાના, લાંબા ગાળાના, મૃત્યુ સુધી હોલ્ડ, સ્પેકયુલેટર્સ, ફોર્ચ્યુન અને ઓપ્શન, ફંડામેન્ટલ્સ વગેરે. તેમણે સલાહ આપી કે ધીરજ એ શેરબજારની યાત્રામાં સફળતાની ચાવી છે કારણ કે આ યાત્રાનું રહસ્ય એ ચક્રવૃદ્ધિ પ્રાપ્તિ છે. તેઓએ જણાવ્યું હતું કે વ્યક્તિ એ માત્ર ગુણવત્તાયુક્ત શેર ખરીદવા જોઈએ અને ઉમેર્યું હતું કે જ્યારે મૂલ્યાંકન મોંઘુ હોય ત્યારે ખરીદી ટાળવી જોઈએ.પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન સહભાગીઓએ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા જે અંગે સેમિનારના વક્તા શ્રી જનક શાહે સુંદર સમજ આપી હતી.BWCના જોઈન્ટ કો-ચેરપર્સન કુ. કાજલ પટેલ દ્વારા આભાર વિધિ સાથે સેમિનારનું સમાપન કર્યું હતું.