અમદાવાદ
બોગસ જીએસટીએન પેઢીઓ શોધી આવી પેઢીઓના રજીસ્ટ્રેશન રદ કરવા માટેની રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ તા.૧૬/૦૫/૨૦૨૩ થી બે માસ માટે શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જીએસટીએન દ્વારા ‘રીસ્ક પેરામીટર’ આધારિત આવી સંદિગ્ધ પેઢીઓ શોધી તેની યાદી જે તે રાજયમાં કાર્યરત SGST તેમજ CGST ઓથોરીટીને મોકલી આપવામાં આવે છે. આ યાદીમાં સમાવિષ્ટ થતી સંદિગ્ધ પેઢીઓના કિસ્સામાં જે તે ઓથોરીટી દ્વારા સ્પોટ વિઝિટની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે. આ ઝૂંબેશનો આશય સીસ્ટમમાં કાર્યરત બોગસ પેઢીઓનું ઉનમુલન કરી બોગસ બિલીંગની પ્રવૃત્તિને ડામવાનો છે જેથી કરીને જેન્યુઇન વેપારીઓ પોતાનો ધંધો સૂચારૂ રૂપે કરી શકે. ગુજરાત રાજયમાં હાલ ૧૧.૪૦ લાખ જેટલા કરદાતાઓ નોંધાયેલ છે જે SGST તથા CGST માં વહેંચાયેલા છે. SGSTના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતાં ૬.૫૦ લાખ કરદાતાઓ પૈકી પ્રથમ યાદીમાં ફકત ૨૫૦૦ જેટલી સંદિગ્ધ પેઢીઓના કિસ્સામાં સ્પોટ વિઝીટની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે SGST ના અધિકાર ક્ષેત્રના કુલ કરદાતાના ફકત ૦.૩૮ % જેટલા છે.
સ્પોટ વિઝીટ દરમિયાન કોઇપણ કરદાતાને કોઇપણ જાતની તકલીફ કે કનડગત ન પહોંચે તે સૂનિશ્ચિત કરવાની સ્પષ્ટ સૂચનાઓ રાજયભરમાં કાર્યરત તમામ અધિકારીઓને આપવામાં આવેલ છે. જો કોઇ કિસ્સામાં આવી કાર્યવાહી દરમ્યાન કોઇપણ કરદાતાને કોઇપણ જાતની ફરિયાદ હોય તો તે સંબંધિત રેન્જ ડેપ્યુટી કમિશનર અથવા ડિવીઝનલ જોઇન્ટ કમિશનરનો સંપર્ક કરી શકે છે. આ તમામ અધિકારીઓના સંપર્ક નંબર રાજય કર વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.