સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી ૦થી ૫ તથા ૫થી ૧૦ કિ.મી. વિસ્તારના ૧૬૪ ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી.
આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો મુખ્યમંત્રીશ્રીના સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી.
સરપંચોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલી મદદ માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં દરિયાકાંઠાના ગામોનો સંપર્ક સતત જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં આવેલા ચક્રવાત-વાવાઝોડાના પવનની તીવ્રતા તથા અન્ય અસરો અંગે મેળવવામાં આવેલા ડેટાબેઝના આધારે મુખ્યમંત્રીશ્રીએ મીટિગેશન માટેના લાંબા ગાળાના ઉપાયો યોજી શકાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સર્વેક્ષણનું સૂચન કર્યું હતું.