દેશ-વિદેશના લાખો ભક્તો જેની સમગ્ર વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી છે. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશિર્વાદ આપશે. જે પહેલા વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી યોજાઇ. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહ સાથે તેમના પરિવારજનો પણ મંદિરમાં આરતીમાં જોડાયા હતા. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ પહોંચી ગયા હતા અને આરતીમાં જોડાયા હતા.
અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં સહપરિવાર પહોંચે છે અને સવારે 4 કલાકે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લે છે. તેઓ વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં અવશ્ય ભાગ લે છે.