મણિપુરમાં 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસા પછી, રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હોવાનું જણાય છે. રાજ્યમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઘણા વિસ્તારોમાંથી ગોળીબાર અને આગચંપીના અહેવાલો છે. દરમિયાન હવે એક મંત્રીના ખાનગી ગોડાઉનમાં આગ લાગી છે. મળતી માહિતી મુજબ, શનિવારે પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના ચિંગારેલમાં બદમાશોએ મણિપુરના મંત્રી એલ સુસિન્દ્રોના અંગત ગોડાઉનમાં આગ લગાવી દીધી હતી.ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવે ત્યાં સુધીમાં આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. આ ઉપરાંત શુક્રવારે રાત્રે પણ આ જ જિલ્લાના ખુરાઈમાં ગ્રાહક અને ખાદ્ય બાબતોના મંત્રીની અન્ય મિલકત અને તેમના નિવાસસ્થાને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મણિપુરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેમાં TMC અને NCPના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાને 50 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે. આવી સ્થિતિમાં દિલ્હીના જંતર-મંતર પર પણ ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે.