અમદાવાદમાં ભારે વરસાદના કારણે મણીનગરમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. ઉત્તમનગર સ્લમ ક્વાર્ટરની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને જર્જરિત ઇમારતમાંથી રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે સદભાગ્યે હજું સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.અમદાવાદના ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલી સવારે ધરાશાઇ થયો હતો. ઉત્તમ નગર ક્વાટર્સમાં કુલ આઠ બ્લોક આવેલા છે અને 256 મકાનોમાં કુલ 1500 જેટલા લોકો રહે છે. સવારે સાત વાગ્યાની આસપાસ ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડતા બંન્ને મકાનને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે છ બાળકો સહિત કુલ 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.ફાયર અધિકારી સ્વસ્તિક જાડેજાએ કહ્યું હતું કે મકાન જૂના થઈ ગયા છે અને એસ્ટેટ વિભાગની ટીમને સ્ટ્રકચર રિપોર્ટ તૈયાર કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે જે બાદ અન્ય કોઈ બ્લોકમાં પણ જોખમ હશે તો તેને પણ ખાલી કરાવવામાં આવશે.