રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે. 9 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 198 રોડ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં 67 માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ 32 રૂટ રદ કરાયા છે. 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉનાની રૂપેણ અને માલણ નદીમાં પૂર આવ્યું છે. નદી બે કાંઠે વહેતી થઇ છે. ખત્રીવાડા ગામના કોઝવે પર પણ નદીના પાણી ફરી વળ્યા છે. સનખડાથી ખત્રીવાડા તરફનો રસ્તો બંધ થયો છે. વાહન વ્યવહાર ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગીર સોમનાથમાં ગીર ગઢડામાં મૂશળધાર વરસાદના કારણે ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના વધુ 2 દરવાજા ખોલવામાં આવતા ઉનાના 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.