રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ મુલાકાતમાં સહભાગી બન્યા : સતર્કતા સાથે કાર્યરત રહેવા અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓને મંત્રીએ તાકીદ કરી
અમદાવાદ
આજે રાજ્યના આરોગ્ય અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે અમદાવાદના પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ વરસાદને કારણે શહેરની વર્તમાન સ્થિતિની સંપૂર્ણ વિગતો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી મેળવી હતી.મંત્રીએ અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલની સંપૂર્ણ વ્યવસ્થાની પણ વિગતવાર માહિતી મેળવી હતી.આ મુલાકાતમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેર મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર શ્રીમતી ગીતાબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેષભાઈ બારોટ અને સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ પણ જોડાયા હતા.મંત્રી ઋષિકેશ પટેલે શહેરના વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિનું મોનિટરિંગ કર્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન મંત્રીએ વરસાદથી પ્રભાવિત શહેરના વિસ્તારોમાં રાહત અને રેસ્ક્યુ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મંત્રીએ અમદાવાદના નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ તેમજ આકસ્મિક સંજોગોમાં આ લોકોને સલામત સ્થળે સ્થળાંતર તથા તેમને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી.મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઝડપથી વિકસેલું સ્માર્ટ અને હેરિટેજ સિટી અમદાવાદમાં રોડ , રસ્તા, પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ઉપલબ્ધ થઇ છે.આજની બેઠકમાં શહેરમાં વરસાદી પાણીનો સત્વરે નિકાલ થાય તે સંદર્ભે વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી છે.રાજ્યના ઈરીગેશન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસ થકી વરસાદી પાણીનો સત્વરે નિકાલ થાય તે પ્રકારનું ભાવી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.