રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવનને અસર પડી છે. કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદની વાત કરીએ તો કુલ 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ પડ્યો છે. તો કપરાડા, પારડી અને નવસારીના ખેરગામમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના વિસાવદરમાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 7.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભરૂચ, છોટાઉદેપુર અને અંકલેશ્વરમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.