કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી કાયદા સમાન નાગરિક સંહિતાનો દેશમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે, હવે આની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. યૂનિફૉર્મ સિવિલ કૉડના વિરોધમાં છોટાઉદેપુરના વિવિધ આદિવાસી સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્રો પાઠવ્યા અને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવા પણ જોડાયા હતા. સરકારે દેશમાં સમાન નાગરિકતા કાયદા લાવવાની તજવીજ હાથ ધરી છે આવામાં આદિવાસી સમાજ દ્વારા કેટલીક જગ્યાએ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, આજે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સંગઠનો, ગ્રામ પંચાયતના સરપંચો સહિત સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાઈને જિલ્લા કલેકટર કચેરીએ UCC કાયદાના વિરુદ્ધમાં સૂત્રોચાર કર્યા હતા. આદિવાસી સંગઠનો મુજબ યુસીસીના કાયદાથી આદિવાસીઓના હક્કોને નુકસાન પહોંચશે. યુસીસી કાયદો લાગુ ના કરવા સખત શબ્દોમાં રજૂઆતો કરી અને જો કાયદો લાગુ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આગેવાનોએ ઉચ્ચારી હતી. મહત્વની વાત એ છે કે યુસીસીની તરફેણમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટેકો જાહેર કર્યો છે તો બીજીબાજુ ગુજરાતના આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ UCC કાયદાના વિરોધમાં જોડાઈને પક્ષ કરતાં સમાજ અગ્રેસર હોવાની વાત કરી છે. વધુમાં પ્રદર્શનકારીઓએ સ્થાનિક આદિવાસી ધારાસભ્યો અને સાંસદોને પણ કાયદાનો વિરોધ કરવા આહવાન કરતા જો નહી જોડાય તો તેમના સામે પણ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે.