દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાના ભાવમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. જેના પગલે સામાન્ય ગૃહિણીનું બજેટ ખોરવાય ગયું છે. એટલું જ નહીં સોશિયલ મીડિયાથી લઈને સમાચારમાં ભારે ચર્ચા થઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મધ્યપ્રદેશમાં એક સ્માર્ટફોન દુકાનદારે ગ્રાહકોને આકર્ષવા માટે અનોખી ઓફર આપી રહ્યો છે. ટામેટાના વધતા ભાવના પગલે દુકાનદારે એવા ગ્રાહકોને ટામેટા આપવાનું નક્કી કર્યું જેઓ તેમની પાસેથી સ્માર્ટફોન ખરીદશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, મધ્યપ્રદેશના અશોક નગરમાં એક સ્માર્ટફોનની દુકાન છે. દુકાનદાર અભિષેક અગ્રવાલે કહ્યું, ‘આ દિવસોમાં ટામેટા ખૂબ મોંઘા થઈ ગયા છે. અત્યારે હરીફાઈનો સમય છે, તેથી અમે વિચાર્યું કે શા માટે એવી ઑફર ન કરીએ જેનાથી લોકોનો ઉત્સાહ વધે. અમે દરેક ગ્રાહકને સ્માર્ટફોન ખરીદવા પર બે કિલો ટામેટા મફ્ત આપી રહ્યા છે. આ ઓફરના કારણે અમને ઘણો ફાયદો પણ થયો છે. અત્યાર સુધી તેણે લગભગ એક ક્વિન્ટલ ટામેટાં લોકોને ભેટ તરીકે આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. બજારમાં એક કિલો ટમેટાની કિંમત 160 રૂપિયાથી ઉપર છે. કેટલીક જગ્યાએ તો 200 રૂપિયા પ્રતિ કિલો ટામેટાં પણ મળતા નથી. એક બહુરાષ્ટ્રીય બર્ગર કંપનીએ તેના બર્ગરમાંથી ટામેટાં પણ ગાયબ થઈ ગયા છે.