ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ઉપરોક્ત ઇમેઇલ દ્વારા ભાજપ શાસીત કોર્પોરેશનના સત્તાધિશો એ જ સત્તાવાર રીતે ૧૩૪.૫ ફુટની સપાટી જાળવી રાખવા માંગણી કરી હતી : દોશી
સામાન્ય રીતે સાબરમતીની સપાટી ૧૨૮ ફુટની આસપાસ રખાતી હોય છે : મેઇલ કરનાર અધિકારી સામે પગલાં લેવામાં આવે અને અમદાવાદના નાગરિકોને આવી મુશ્કેલીમાં નહીં મૂકીએ તે અંગે કોર્પોરેશનના મેયરે માફી માગવી જોઈએ તેવી કોંગ્રેસની માંગ
અમદાવાદ
ક્રુઝ સંચાલકને ફાયદો કરાવવાના હેતુએ ૭૫ લાખ અમદાવાદીઓને બાનમાં લીધા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ માટે જવાબદાર ભાજપા સરકારના શાસકોની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રિવરફ્રન્ટમાં ક્રુઝ ચલાવવા ખાતર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતિ નદીનું લેવલ ૧૩૪.૫ ફૂટ વધારી રાખ્યું હતું. કોર્પોરેશનના શાસકોએ ૭૫ લાખ શહેરી નાગરિકોની ચિંતા કરવાને બદલે ખાનગી ક્રુઝ સંચાલકની સુવિધા-સગવડતાની ચિંતા કરી. હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી હોવા છતાં માત્રને માત્ર ખાનગી ક્રુઝ સંચાલકના ફાયદા માટે ભાજપ શાસીત કોર્પોરેશનના સત્તાધિશોએ જ સત્તાવાર રીતે ઈ-મેઈલ કરીને ૧૩૪.૫ ફુટની સપાટી જાળવી રાખવા માંગણી કરી હતી.ચોમાસામાં ભારે વરસાદની આગાહી હોય ત્યારે સામાન્ય રીતે સાબરમતીની સપાટી ૧૨૮ ફુટની આસપાસ રખાતી હોય છે. શુક્રવારે ૧ ઈંચ વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. ૧ ઈંચ જેટલો વરસાદ પડતા સી.જી. રોડ તેમજ મધ્ય ઝોનના પાંચકુવા, કાલુપુર, શાહપુર, રીલીફ રોડ, ગાયકવાડ હવેલી, જમાલપુર, વાસણા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.૨૦૦ થી વધુ વિસ્તારોમાં રોડ રસ્તામાં મોટા પાયે ખાડા, મોનસૂન પ્લાન ના કરોડો રૂપિયા ફરી એક વખત પાણીમાં ગયા, ૧૦૦ થી વધુ ભૂવા પડ્યા. દર વર્ષે પડી રહેલા ભૂવા, ધોવાતા રસ્તા માટે ભાજપાના શાસકોની જવાબદારી કેમ નક્કી થતી નથી ?
ભાજપાના શાસકોના કારણે હેરીટેજ સીટી – સ્માર્ટ સીટી અમદાવાદની ઓળખને મોટુ નુકસાન થાય તે રીતે અમદાવાદ ભૂવા નગરી – ખાડાબાદ બની ગયુ . ઠેર-ઠેર પાણી ભરાતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા.ઠેર-ઠેર પાણી ભરાતા ત્રણ થી ચાર કલાક વાહન ચાલકો – શહેરી નાગરિકો અટવાયા.નિર્ધારીત કરતા વધુ પાણીનો ભરાવો થતા સત્તાધીશોને વાંકે લાખો નિર્દોષ નાગરિકો પાણીમાં ફસાયા.કોર્પોરેશના શાસકોના કારણે ૩૦ લાખ કરતા વધુ માનવ કલાકો વેડફાયા.
મનીષ દોશી એ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે હવામાન ખાતાની આગાહી ભારે વરસાદની હોવા છતાં પણ કોર્પોરેશનના સંચાલકો દ્વારા સિંચાઈ વિભાગને એક મેઈલ કરીને સાબરમતીના પાણીનું લેવલ 134.5 ફૂટ રાખવા માટે સૂચના આપી હતી. કુદરતની મહેરબાની કે શુક્રવારે ફક્ત એક ઇંચ વરસાદ જ પાડયો હતો. તેમ છતાં પણ શહેરના સાબરમતીના નજીકના વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ઠેર ઠેર પાણી વધુ ભરાઈ ગયા તેની જવાબદારી કોણ સ્વીકારે છે ?પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જ છે જેનાથી શહેરીજનો મુશ્કેલી અનુભવે છે.આમ ખાનગી ક્રૂઝ સંચાલકોને ફાયદો કરાવવાનો હોય તેવો આક્ષેપ મનીષ દોશી એ કર્યો હતો. આવો વિકાસ અમદાવાદના ટેક્સપેયર નાગરિકોને જોઈતો નથી. હજારો નાગરિકોના જીવ જોખમમાં મુકાતા હોય તેવો વિકાસ અમારે જોઈતો નથી. આવા વિકાસનો કોંગ્રેસ સંપૂર્ણપણે વિરોધ કરે છે. શહેરમાં નવું નજરાણું એટલે કે રિવર ક્રુઝ આવી એ ઘણી સારી બાબત છે પરંતુ જો ક્રુઝ સંચાલકોને ફાયદો કરાવવાનો હોય તો એ વ્યાજબી નથી. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે ભાજપના અધિકારીઓ દ્વારા જે મેલ સિંચાઈ વિભાગને કરવામાં આવ્યો છે તેથી આ 134.5 ફૂટ લેવલ જાળવવા માટે મેઇલ કરનાર અધિકારી સામે પગલાં લેવામાં આવે, હવે પછી અમદાવાદના નાગરિકોને આવી મુશ્કેલીમાં નહીં મૂકીએ તે અંગે કોર્પોરેશનના મેયરે માફી માગવી જોઈએ તેવી કોંગ્રેસ માંગ કરે છે.