કેન્દ્ર સરકારને ફટકો આપતા સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર સંજય મિશ્રાના કાર્યકાળમાં ઘટાડો કર્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, સંજય મિશ્રાનો કાર્યકાળ 31 જુલાઈ સુધી જ રહેશે. કેન્દ્ર સરકારે સંજય મિશ્રાનો કાર્યકાળ સતત ત્રીજી વખત લંબાવ્યો હતો. સરકારની નિમણૂક અનુસાર, મિશ્રા 18 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા હશે. કોર્ટે કહ્યું છે કે સરકાર 15 દિવસમાં EDના નવા ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. સરકાર દ્વારા ED ડાયરેક્ટરની મુદત વધારવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર પાસે કાયદો બનાવવાની સત્તા છે, પરંતુ આ એક્સટેન્શન ગેરકાયદેસર છે અને વર્તમાન ડિરેક્ટર 31 જુલાઈ સુધી જ EDમાં ફરજ બજાવશે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 18 નવેમ્બર 2018ના રોજ સંજય મિશ્રાને પહેલીવાર EDના ડાયરેક્ટર બનાવ્યા હતા. આ પછી સરકારે તેમનો કાર્યકાળ વચ્ચે એક વર્ષ માટે લંબાવ્યો. જો સુપ્રીમ કોર્ટનો આ આદેશ ન હોત તો સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ નવેમ્બર, 2023માં તેમની સેવાના વિસ્તરણ બાદ સમાપ્ત થઈ ગયો હોત. કેન્દ્ર સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં જ તેમને એક્સટેન્શન આપ્યું હતું. ત્રણ જજોની બેન્ચે કહ્યું કે સંજય કુમાર મિશ્રા પાસે 31 જુલાઈ સુધીનો સમય છે. ત્યાં સુધી તેમણે ઓફિસ છોડી દેવી જોઈએ અને આ દરમિયાન કેન્દ્ર સરકારે તેમની જગ્યાએ અન્ય કોઈની નિમણૂક કરવી જોઈએ. આદેશ વાંચતા જસ્ટિસ ગવઈએ કહ્યું કે 2021માં CVC એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કરાયેલો સુધારો ખોટો નહોતો, પરંતુ જ્યારે કોર્ટે 2021માં જ પોતાનો ચુકાદો આપ્યો હતો, તો પછી તેમને એક્સટેન્શન ન આપવું જોઈતું હતું.