રાણપુરમાં આવેલી પાંજરાપોળના આ દ્રશ્યો જુઓ તો માત્ર જીવદયા પ્રેમીઓ નહીં પણ સામાન્ય વ્યક્તિનું પણ લોહી ઉકળી ઉઠે. જમીન પર પડેલા પશુઓના મૃતદેહ પાછળ પાંજરાપોળના ટ્રસ્ટીઓ જવાબદાર છે. પાંજરાપળોની ખસ્તા હાલતના કારણે મુંગા પશુઓ મોતને ભેટ્યા છે.
પાંજરાપોળમાં વરસાદી પાણી ભરાઈ છે અને ભયંકર કાદવ-કિચડ થાય છે. પશુઓ આ કીચડમાં ફસાઈને પડી જતા મોત થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જીવદયા પ્રેમીઓ તો કહી રહ્યા છે કે 500 પશુઓ રાખવાની સંખ્યામાં 1500થી પશુઓ રાખવામાં આવી રહ્યા છે.
આરોપ સામે રાણપુરના સરપંચ બચાવ કરતા જોવા મળ્યા. સરપંચે તો મોત પાછળ વરસાદને જ જવાબદાર ઠેરવી દીધો. સંચાલકે બચાવ કરતા કહ્યું કે વરસાદ જ એ પ્રકારનો પડ્યો છે જેના કારણે કાદવ-કીચડ થયો જોકે સરપંચે એવો તર્ક પણ આપ્યો કે કેટલાક લોકો પોતાના રોગી અને ઈજાગ્રસ્ત પશુઓને અહીં છોડી જાય છે. મોત થયેલા કેટલાક પશુઓમાં એવા પણ અમુક પશુઓ હોય શકે છે.
આ બધા વચ્ચે એક વિવાદ એવો પણ છે જેનો ઉકેલ આવ્યો હોત તો અમુક પશુઓના જીવ બચી ગયા હોત. પાંજરાપોળની પાછળ રહેલી સોસાયટી પાંજરાપોળને પાણીનો નિકાલ કરવા દેતી નથી. તેના કારણે જ પાંજરાપોળ કાદવ, કીચડ કે વરસાદી પાણીનો નિકાલ કરી શકતુ નથી.