દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હોટલ્સ તો મોંઘી હોય અને રેટ વધારે હોય તે સ્વાભાવિક છે. ત્યારે આવી હોટેલ્સમાં ખૂબ સાધનસંપન્ન હોય તેવા લોકો જ રહી શકે છે. તેમજ આવી હોટેલ્સમાં રુમ બૂક કરાવવા પાછળની આકરી શરતો હયો છે. જ્યાં આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવી સરકારી ડોક્યુમેન્ટ દરેક વ્યક્તિ પાસેથી માગવામાં આવે છે. ઉપરાંત અનેક સવાલો પણ કરવામાં આવે છે. ત્યારે ખોટા કામ કરતા લોકોને હંમેશા આવી હોટેલમાં પકડાઈ જવાનો ડર રહે છે. આ માટે જ હવે SEX રેકેટ સાથે જોડાયેલ લોકો હોટેલ નહીં પણ હાઉસિંગ સોસાયટીને દેહ વેપાર માટે પસંદ કરી રહ્યા છે. આવા એક રેકેટનો ખુલાસો ત્યારે થયો જ્યારે મુંબઈ ક્રાઈમ બ્રાંચે કાંદિવલી જેવા પોશ વિસ્તારમાંથી બે દિવસ પહેલા એક મહિલાની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ પીટા જેવી કલમો લગાવી છે જેથી તેને જામીન મળવા પણ મુશ્કેલ છે. જોકે આ ઘટનાથી મહિલાના પતિ અને તેની 16 વર્ષની પૂત્રીને સૌથી મોટો આંચકો લાગ્યો છે કેમ કે પત્ની અને માતા એવી આ મહિલા છેલ્લા કેટલાય સમયથી ઘરમાં મસમોટું દેહવેપારનું કૌભાંડ ચલાવતી હતી અને તેમને ખબર સુદ્ધા નહોતી.
કેટલાક દિવસ પહેલા સીનિયર ઇન્સ્પેક્ટર ચિમાજી આઢાવને એક ખબરીએ ટીપ આપી કે કાંદિવલીની એક હાઉસિંગ સોસાયટીમાં દેહ વેપારનું કૌભાંડ ચાલે છે. જે બાદ પોલીસે મહિલાનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું અને પછી તેના ઘરની આસપાસ પોલીસે વોચ ગોઠવી. બે દિવસ સુધી સતત વોચ રાખ્યા બાદ પોલીસે મહિલાના ઘરે છાપો માર્યો અને તેની ધરપકડ કરી. તેમજ તેના ઘરેથી ત્રણ યુવતીનું રેસ્ક્યુ કરીને ત્રણેયને સુધાર ગૃહ મોકલવામાં આવી. જે પૈકી બે યુવતી મલાડ અને માલવણથી આવતી હતી જ્યારે એક નાલાસોપારાથી આવી હતી.
મહિલાનું ઘર બે બેડરુમનું હતું. સવારે પતિ પોતાના કામધંધે નીકળી ગયા બાદ 12મા ધોરણમાં ભણતી તેની દીકરી 11 વાગ્યે કોલેજ જતી હતી. જ્યાંથી તે સીધી જ કોચિંગમાં જતી હતી. જેથી દિવસ દરમિયાન તેના ઘરે કોઈ જ નહોતું રહેતું અને તેનો લાભ આ મહિલા ઉઠાવતી હતી. તે ગ્રાહકો અને યુવતીઓને પોતાના ઘરે બોલાવી ઘરમાં જ હોટેલ જેવી સુવિધા આપતી હતી. બિલ્ડિંગમાં કોઈ પૂછે તો મહિલા પોતે ઇન્સ્યોરન્સનું કામ કરતી હોવાનું જણાવી લોકો તેની પાસે પોલિસી લેવા આવ્યા હોવાનું કહેતી હતી. તે દરેક ગ્રાહકને અલગ અલગ સમયે આપતી અને ગ્રાહક પાસેથી રુ.3000 વસૂલતી હતી. જેમાંથી 50 ટકા રકમ પોતે રાખતી હતી અને બાકીની રકમ આ છોકરીઓને આપતી હતી. તેણે તિજોરીમાં આ છોકરીઓ માટે નવા નવા કપડા ખરીદીને રાખ્યા હતા . જેને આ છોકરીઓને પહેરાવ્યા બાદ તેના ફોટોઝ પાડીને ગ્રાહકોને મોકલતી હતી. જ્યારે આ છોકરીઓના પરિવારને પણ આ ઘટના સામે આવ્યા બાદ મોટો ઝટકો લાગ્યો છે. કેમ કે તેમને એમ હતું કે તેમની છોકરીઓ નોકરી માટે બહાર જાય છે. જ્યારે તેમને આ અહેવાલ મળ્યા ત્યારે આઘાત લાગ્યો હતો.