સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરીને ઘરમાં ચોરી કરનાર દંપતીને ખટોદરા પોલીસની ટીમે ઝડપી પાડી છે. પોલીસે ફેરિયાનો વેશ ધારણ કરીને બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવ ખાતેથી આ દંપતીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. સુરતમાં ખટોદરા પોલીસની ટીમને માહિતી મળી હતી કે સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરી ઘરમાં ચોરી કરનાર આરોપીઓ બિહારના ભાગલપુર જિલ્લાના કહલ ગાવ ખાતે રહે છે બાતમીના આધારે પોલીસને એક ટીમ બિહાર ગઈ હતી. જ્યાં તપાસ કરતા આરોપીઓ પહાડ ઉપર રહેતા હોય અને પોલીસ તરીકે તપાસ કરે તો આરોપીઓ પહાડી પાછળથી ભાગી જવાની સંભાવના હતી. જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ફેરિયાનો વેશ ધારણ કર્યો હતો અને બે દિવસ રેકી કરીને આરોપીઓની ધરપકડ કરી હતી. ખટોદરા પોલીસની ટીમે ફેરિયાનો વેશ ધારણ કરીને ઘરઘાટી તરીકે કામ કરી ચોરી કરનાર સુનિલ રામજી શાહ અને તેની પત્ની પૂજાબેનની ધરપકડ કરી હતી. ખટોદરા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે સુંદરી દેવી નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ACP ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે આ ઘટનામાં દંપતીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ સુનીલની માતા સુંદરી દેવી વોન્ટેડ છે. આરોપીઓ થોડો સમય ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને થોડો સમય બાદ તક મળતા જ ઘરમાં હાથફેરો કરી લેતા હતા. આરોપીઓએ આવી રીતે વેસુ વિસ્તારમાં 9 લાખ તેમજ ખટોદરા વિસ્તારમાં 5 લાખની ચોરી કરી હતી. પોલીસે બિહાર જઈને ત્યાંના સ્થાનિક વિસ્તારના ફેરિયાઓનો વેશ ધારણ કરીને આરોપીઓને પકડ્યા છે. પોલીસે ત્યાં જઈને આરોપીઓ વિશે માહિતી એકત્ર કરી હતી અને ત્યાં રેકી કર્યા બાદ આરોપી દંપતીની ધરપકડ કરી છે. આરોપીઓ ઘરઘાટી તરીકે કામ કરીને ઘર માલિકનો વિશ્વાસ કેળવીને તક મળતા જ ઘરમાં હાથફેરો કરીને ફરાર થઈ જતા હતા. આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ પોતાના મોજશોખમાં ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત તેઓએ ચોરીનો મુદામાલ જ્યાં વહેંચ્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.