ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિરો એવા છે જે તેમની ખાસિયત માટે પ્રખ્યાત છે. આવુ જ એક મંદિર છે ઈડરના ઈશ્વરપુરા ગામમાં આવેલું બોબડી માતાજીનું મંદિર. લોકવાયકા છે કે, આ બોબડી માતાના મંદિરમાં મુંગા પણ બોલતા થાય છે. જે ઘરમાં સંતાનો વહેલા બોલતા ન હોય તો તેઓ બોબડી માતાની બાધા રાખે છે. અહી માનતા માનવામાં બાળક બોલતુ થાય છે. ઈડરની આસપાસ અનેક ડુંગરા આવેલા છે. આ મનોરમ્ય ડુંગરોની વચ્ચે ઈશ્વરપુરા ગામ આવેલું છે. જ્યાં બોબડી માતાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે, આ મંદિર 50 વર્ષો જુનુ છે. મંદિરની પૂજા કરનાર સેવક મગનભાઈ પટેલનું કહેવું છે કે, જે ઘરમાં કોઈ બાળક 5 વર્ષ બાદ બોલી શક્તુ ન હોય તો માતાપિતા તેને બોબડી માતા સામે લાવે છે. એવી માન્યતા છે કે, બોબડી માતાની માનતા રાખવાથી બાળકનું મુંગાપણું દૂર થાય છે. આ મંદિરમાં મુંગું બાળક પણ બોલતું થાય છે. જો બાળક બોલતુ ન હોય તો માતાપિતા બોબડી માતાની સામે સોનાની અથવા ચાંદીની જીભ ચઢાવે છે. આ ઉપરાંત જો કોઈ બાળકને કે મોટી વ્યક્તિને બોલવાની તકલીફ હોય, જીભ ચોંટતી હોય કે પછી તોતડાપણું હોય તો બોબડી માતાની બાધા માનવાથી બધુ દૂર થઈ જાય છે તેવુ લોકો માને છે. બોબડી માતામાં અનેક લોકો શ્રદ્ધાથી આવે છે. ખાસ કરીને રાજસ્થાનના લોકો અહી માનતા માનવામાં આવે છે. તો ઝીંઝવા ગામના લોકો બોબડી માતા પર અપાર શ્રદ્ધા ધરાવે છે. કેટલાક લોકો ઘરની બાબરીના પ્રસંગો પણ અહી પૂર્ણ કરે છે. એવી લોકવાયકા છે કે, માતાજીએ અનેક પરચા આપ્યાછે. માતાની કૃપાથી અનેક બાળકો સાજા થયા છે.