સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં ગર્ભ પરિક્ષણ કરતા એક તબિબને રાજસ્થાનના જયપુર સ્થિત PCPNDT યુનિટની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. જયપુરના દલાલ મારફતે છટકાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા હિંમતનગરના તબિબ મહેન્દ્ર સોનીને ઝડપી લેવામાં આવ્યા હતા. ડો સોની દ્વારા રાજસ્થાનથી છટકા મુજબ આવેલી ગર્ભવતી મહિલાનુ ગર્ભપરિક્ષણ કર્યુ હતુ. જેને લઈ જયપુરની ટીમ દ્વારા તેમને ધરપકડ કરવામાં આવી હતી. ડો સોનીને લઈને ટીમ સ્થાનિક હિંમતનગરના બી ડિવિઝન પોલીસ મથક પહોંચી હતી. જ્યાં તેમની કાર્યવાહી સંદર્ભે ધરપકડ કરવા માટે મહેન્દ્ર સોનીને લઈ જવાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન ડો મહેન્દ્ર સોનીએ છાતીમાં દુઃખાવો ઉપડ્યાની ફરીયાદ કરતા તેમને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડો. મહેન્દ્ર સોની ગાયનેક તબિબ છે અને તેઓ પ્રસુતિ ગૃહ સહિતની હોસ્પિટલ હિંમતનગર શહેરમાં ચલાવે છે. આ દરમિયાન તેઓએ ગર્ભ પરિક્ષણ મંગળવારે કરતા તેઓને ઝડપવામાં આવ્યા હતા. આ પહેલા પણ હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા વિસ્તારમાંથી જયપુરની ટીમ આ રીતે કાયદાનો ભંગ કરીને રાજસ્થાનની ગર્ભવતી મહિલાઓનુ ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કરવાને ઝડપી ચુકી છે. રાજસ્થાનથી ગર્ભ પરિક્ષણ કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ સરહદ વિસ્તારના શહેરોમાં આવતા હોય છે. જેને લઈ રાજસ્થાનમાં ટ્રેપની આયોજન કર્યા બાદ દલાલ મારફતે તબિબ પાસે પહોંચતા હોય છે. સ્થાનિક તંત્ર ઉઘતુ ફરી એકવાર ઝડપાયુ હોય એવી સ્થિતી સામે આવી છે. હિંમતનગરથી 572 કિલોમીટર દુર જયપુરથી આવીને ટીમે તેમનુ આપરેશન પાર પાડ્યુ હતુ. આમ સ્થાનિક આરોગ્ય વિભાગ ગર્ભ પરિક્ષણ ઝડપવામાં ઉંઘતુ જ રહ્યુ હોય એવી સ્થિતી સર્જાઈ છે.