વેસ્ટન ઓસ્ટ્રેલિયામાં ગ્રીકો – રોમન કુસ્તી શૈલીમાં ત્યાંની રાજય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતના યુવાન પહેલવાને ત્રણ અલગ-અલગ મેડલ જીત્યા હતા. મુળ જામનગરના વતની 24 વર્ષીય મિરાજ હિતેશ નકારાણીએ કુસ્તીમાં પ્રથમ વખત મૈદાનમાં હાથ અજમાવ્યો અને ત્રણ મેડલ મેળવીને વિદેશની જમીન પર ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું હતું. બહુમુખી પ્રતિભા ધરાવતા મુળ ગુજરાતી આશાસ્પદ યુવા એથ્લેટ મિરાજ નાકરાણીએ ત્રણ મેડલ જીત્યા હતા. ટેક ડાઉન ડિસિપ્લિનમાં બ્રોન્ઝ મેડલ, ફ્રીસ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ અને ગ્રીકો-રોમન સ્ટાઈલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. મિરાજે તેની બહાદુરી અને હિંમતથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેણે ઓસેનિયા અને ન્યુઝીલેન્ડની રાષ્ટ્રીય ચેમ્પિયન ફોર પોઈન્ટ મૂવ T.J.Pickeringને સ્પર્ધામાં પછાડીને પોતાની પ્રતિભા દેખાડી જીત મેળવી હતી. તેની આ રમત બદલ ત્યાંના અનુભવી કોચ Jadranko Adrian Tesanovicએ મિરાજના વખાણ કર્યા હતા. પ્રથમ વખત સ્પર્ધામાં ઉતરી નેશનલ ચેમ્પીયનને પછાડીને વિજેતા બનેલ યુવા ગુજરાતી મિરાજની જીત પર કોચે ખુશી વ્યકત કરી હતી.
તેણે જણાવ્યુ હતું કે નવી પ્રતિભાઓને શોધવામાં મારી વર્તમાન રાષ્ટ્રીય કોચની ભૂમિકા દ્વારા હું સતત આગળ કામ કરું છું. ટોચના એથ્લેટ્સ અને રોલ મોડલ્સને આગળ લઈ જવાના કામમાં તાજેતરમાં ભારતના મિરાજ નાકરાણી પર અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં તેણે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. મિરાજ હિતેશ નાકરાણી મુળ ગુજરાતના જામનગરનો વતની છે. મિરાજના પિતા માહિતી વિભાગમાં દ્રારકામાં સબએડીટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ હાલ નિર્વૃત છે. ધોરણ 12ના અભ્યાસ બાદ ઓસ્ટ્રેલિયામાં સ્ટુન્ડન્ટ વિઝા પર 18 વર્ષની ઉમરે ફિલ્મ લાઈનનો કોર્ષ માટે ગયો હતો. ત્યારબાદ હાલ છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ કન્સલટન્સી ચલાવે છે સાથે જ કુસ્તીનો શોખ હોવાથી ગ્રીકો – રોમન કુસ્તીમાં ચાર માસની તાલીમ સહભાગી બન્યો. જેમાંથી 4 માસમાં માત્ર 20 જેટલા સેશનમાં હાજર રહ્યો અને બાદ સ્પર્ધામાં પ્રથમ વખતમાં ત્રણ મેડલ મેળવીને ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યુ હતું. મિરાજ નાકરાણીએ 2020માં બેસ્ટ સ્ટાઈલીસ મોડલનો ખિતાબ જીત્યો હતો અને સાથે મોડલીંગના કેટ-વોક કરીને સેકન્ડ રનર્સઅપનુ સ્થાન મેળવ્યુ હતુ. મિરાજે મોડલીંગ, ફિલ્મ લાઈન તેમજ પહેલવાની ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.