વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વતનમાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને 27 જુલાઈના રોજ ગુજરાત આવવાના છે. તેઓ રાજકોટમાં બનેલ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. સાથે જ તેમના આગમન બાદ ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળશે. કારણ કે, તેમની આ મુલાકાત લોકસભાની ચૂંટણી પહેલા ખાસ ગણવામાં આવી રહી છે. તેઓ મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો સાથે ભોજન લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી બાદ પહેલીવાર ગુજરાતના નેતાઓને એકસાથે મળશે. તેમની ગુજરાતની આ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એવુ કહેવાય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ધારાસભ્યોએ પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી આ માંગણીને ધ્યાનમં રાખીને પ્રધાનમંત્રી ધારાસભ્યો સાથે ભોજન લેશે.
જોકે, આ ભોજન સમારોહમાં કોણ કોણ હાજર રહેશે તે માહિતી હજી સામે આવી નથી. પરંતુ કહેવાય છે કે, રાજ્યસભામાં તાજેતરમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા આ ભોજન સમારોહનું આયોજન કરાયું છે. પીએમ મોદી રાજકોટમાં હીરાસર એરપોર્ટનું ઉદઘાટન કરશે. જોકે, કલેકટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત બાકી છે. પરંતું પીએમ મોદીના હસ્તે આંતર રાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલ્લું મુકવામાં આવશે. પીએમ મોદી 28 જુલાઈના રોજ મહાત્મા મંદિરમાં સેમિકોન ઈન્ડિયા 2023 ની બીજી આવૃત્તિનુ ઉદઘાટન કરશે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઈકો સિસ્ટમને વેગ મળે તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરાયું છે.