અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં ત્રણ પોલીસ કર્મી સહિત 9 લોકોના જીવ ગયા છે. આ અકસ્માત તથ્ય પટેલ નામના યુવક દ્વારા થયો હોવાનું સામે આવ્યુ છે. જગુઆર કારની ટક્કરથી થોડી જ સેકન્ડોમાં ઇસ્કોન બ્રિજ પર લાશો વિખેરાયેલી જોવા મળી હતી. થોડી જ વારમાં ઇસ્કોન બ્રિજ પર મૃતકોના પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો. ત્યારે અકસ્માત સર્જનાર યુવક એક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જાણો કોણ છે આ તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ.અમદાવાદમાં મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ જાણીતા બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે. તથ્ય પટેલ અમદાવાદના ગોતા વિસ્તારમાં હરે શાંતિ નામના બંગલોમાં રહે છે. મળતી માહિતી પ્રમાણે તથ્ય પટેલ સાબરમતી યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરે છે. મોડી રાત્રે તથ્ય પટેલે અકસ્માત સર્જતા તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર પ્રજ્ઞેશ પટેલે સ્થળ પર જઇને સામાન્ય નાગરિકો જોડે માથાકૂટ કરી હતી. એટલુ જ નહીં અકસ્માત બાદ તથ્યને કેટલાક લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે પિતા પ્રજ્ઞેશ પટેલે કેટલાક લોકોને ધમકી આપી હોવાની પણ માહિતી છે. મળતી માહિતી પ્રમાણે જે કારથી અકસ્માત સર્જાયો તે કાર તથ્ય પટેલ કે તેના પિતા પ્રજ્ઞેશ પટેલના નામે નથી, પરંતુ કાર પ્રજ્ઞેશ પટેલના ભાગીદારના નામે છે. તો પ્રજ્ઞેશ પટેલ પોતે એક બિલ્ડર છે અને તેમની સામે કેટલાક ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી મીડિયા રિપોર્ટ અનુસાર મળી છે. પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હોવાનો કેસ ચાલી રહ્યો છે. તેના પર આરોપ છે કે રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચર્યુ હતું. અગાઉ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ સાથે જ જમીન કૌભાંડના કેસોમાં પણ પ્રજ્ઞેશ પટેલનું નામ ચાલી રહ્યુ છે.