ઈસ્કોન બ્રિજ પર ફુલસ્પીડે જેગુઆર કાર ચલાવી 9 લોકોને મોતની નીંદ્રામાં પોઢાડી દેનાર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. સેન્ટ્રલ જેલમાં આરોપી તથ્યને કેદી નંબર 8683 અપાયો છે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કેદી નંબર 8626 અપાયો છે. આ બંને બાપબેટાની જોડીને અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી તથ્યના ત્રણ દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા બંનેને જેલમાં ધકેલવામાં આવ્યા છે.
જમીન દલાલ અને રાજકીય વગદાર પ્રજ્ઞેશ પટેલના ગુમાની દીકરાએ બુધવારની રાત્રે તેની જેગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોને ફુટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં તમામ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત સમયે તથ્યની કારની સ્પીડ 142ની હતી. માત્ર પોતાની મસ્તી ખાતર ફુલસ્પીડે ગાડી ચલાવવાના શોખીન આ નબીરાએ ઘડીના છઠ્ઠા ભાગમાં 9 લોકોને મોતની નીંદ્રામાં પોઢા઼ડી હતા. ત્યારબાદ અકસ્માત સ્થળેથી તેના પિતા તેને લઈને ત્યાંથી નીકળી ગયા હતા.
આરોપી તથ્ય પટેલની રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં ખૂલ્યુ છે કે તે પહેલેથી ફુલસ્પીડે ગાડી ચલાવવાની આદત ધરાવે છે અને 20 દિવસના ગાળામાં તે બે અકસ્માત કરી ચુક્યો છે. એ અગાઉ ત્રીજી જૂલાઈએ સિંધુભવન રોડ પર પણ તેમણે એક કાફેની દીવાલ સાથે થાર ગાડી અથડાવી હતી. જેમાં દીવાલ તૂટી ગઈ હતી. જો કે બાદમાં તેમણે સમાધાન કરી લેતા કાફેના માલિકે ફરિયાદ કરી ન હતી. જો કે ત્યારબાદ 19 જૂલાઈએ ઈસ્કોનબ્રિજ પર થયેલા કમકમાટી ભર્યા અકસ્માત બાદ તથ્ય સામે ત્રીજી જુલાઈના અકસ્માતને લઈને પણ ગુનો નોંધવામાં આવ્યો છે.