ગઈકાલ રાત્રે ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાતના પેકેજની જાહેરાત કરવામાં આવી. આ પેકેજ અંતર્ગત 100 યુનિટ વિજબીલ માફી એક વાર માટેની જાહેરાત કરવામાં આવી. પરંતુ 3 મહિનાથી આવકમાં મુશ્કેલી અનુભવતી ગુજરાતની પ્રજાને આ રાહત અપૂરતી છે અને આમ આદમી પાર્ટીની માંગ છે કે સંપૂર્ણ વિજબીલ માફી 3 મહિના માટે આપવામાં આવે. ઉપરાંત આ બાબતમાં પ્રાઇવેટ કંપની ટોરેન્ટ પાવર કે જે અમદાવાદ અને સુરત ખાતે લાખો પરીવારોને વીજળી પહોંચાડે છે તે કંપની તરફથી રાહત પેકેજનો ફોડ પાડવામાં આવ્યો નથી તો તેની તાત્કાલિક જાહેરાત કરવામાં આવે. નાના વેપારીઓ અત્યંત મુશ્કેલીમાં છે. લોકડાઉનમાં તેમની હાલત કફોડી બની છે તેવામાં ફક્ત 5 ટકા વિજબીલ માફી એ દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ છે. જ્યારે ઓફિસ ખુલી જ નથી તો વિજબીલ શા માટે? આમ આદમી પાર્ટી 3 મહિના માટે સંપૂર્ણ વિજબીલ માફીની માંગણી કરે છે. આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ હેઠળ 1 લાખ સુધીની લોન માટેના નિયમો હળવા કરવામાં આવે અને તે માટે લાંબી લાઈનો ન થાય અને ઓનલાઈન એપ્લિકેશનની સુવિધા થાય તેવી આમ આદમી પાર્ટી ગુજરાતની માંગણી છે.
ધન્વંતરિ રથોને એમ્બ્યુલન્સ અને ઓક્સિજન તથા પ્રાથમિક બાઇ પેપ જેવા વેંટીલેટર ઉપકરણોથી સજ્જ કરવામાં આવે તેવું આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. પશુપાલકોને એક વાર 900 રૂપિયાની સહાય અપૂરતી છે. આ લોકડાઉનના લીધે ફક્ત ગાય જ નહીં પણ બીજા પાલતુ પ્રાણીઓના ચારા માટે પણ સહાય ઉમેરવામાં આવે. ત્રણ મહિના માટે તમામ પ્રકારના ગૌચર માટે એક પશુ દીઠ 70 રૂપિયા પ્રતિ દિવસની માંગણી આમ આદમી પાર્ટી કરે છે. આ જાહેરાતો અને આમ આદમી પાર્ટીના સુચનોનો સરકાર દ્વારા તુરંત અમલ કરવામાં આવે અને લોકો સુધી આ સહાય તાત્કાલિક ધોરણે પહોંચે તે માટે આમ આદમી પાર્ટી સરકારનું ધ્યાન દોરવાનું ચાલુ રાખશે તેમ પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ જણાવ્યું છે.