વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ બનાવવાના આશયે શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.આ વાયબ્રન્ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.
આ સંદર્ભમાં ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ માં ૧૩૬૦ કરોડ રૂપીયાના કુલ રોકાણો સાથે ૬ જેટલા MoU બુધવાર, ૨૬મી જુલાઇએ ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. તદઅનુસાર, એન્જીનિયરીંગ સેક્ટરમાં કુલ રૂ. ૭૭૫ કરોડના રોકાણો માટે ૩ ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા હતા. આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-૨માં ઉદ્યોગો શરૂ કરાશે અને અંદાજે ૭૦૦ જેટલાં સંભવિત રોજગાર અવસરો પૂરા પાડવામાં આવશે.
ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદરે રાજય સરકાર વતી અને ઉદ્યોગ ગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.આ MoU અંતર્ગત ટેક્ષટાઈલ સેક્ટરમાં એક MoU રૂ. ૨૯૪ કરોડના રોકાણો માટે કરવામાં આવ્યો હતો. તેના દ્વારા ૧૮૦૦ લોકોને અપેક્ષિત રોજગારી મળશે. એટલું જ નહિ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થયેલા MoU અનુસાર, બે ઉદ્યોગો રૂ. ૨૯૦ કરોડનું રોકાણ કરશે તથા ૫૦૦ જેટલી સંભવિત રોજગારીની તકોનું આ ઉદ્યોગમાં નિર્માણ થશે.
આ MoU કરનારા સૌ ઉદ્યોગકારોએ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગો શરૂ કરવા માટેની જરૂરી મંજૂરીઓ અતિ ઝડપે મળી છે તે માટે આભાર દર્શાવ્યો હતો.રાજ્યમાં લેબર પીસ અને સ્કીલ્ડ વર્કફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે આ ઉદ્યોગકારો પોતાનાં યુનિટ્સના એક્સપાન્શન અને નવા એકમો શરૂ કરવા તેઓએ ગુજરાત પર પસંદગી ઉતારી છે તેમ જણાવ્યું હતું.
સાણંદ GIDC ફેઝ-૨માં ૨૦૨૪-૨૫ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટેના આ જે ૬ MoU થયા છે તેમાં, એન્જિનિયરીંગ સેક્ટરમાં આર્સેલર મિત્તલ નિપ્પન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ, ઈન્ગરસોલ રેન્ડ ઈન્ડિયા લિમિટેડ અને ટેરેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં બાયો જેનોમિક્સ લિમિટેડ તથા OMNIBRX બાયોટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનો અને ટેક્ષટાઈલ સેક્ટરમાં વર્લ્ડ વાઈડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.આ MoU સાઈનીંગ અવસરે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, GIDCના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનરશ્રી સંદીપ સાંગલે તથા ઈન્ડેક્ષ બી નાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.