સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કાચા કામનો કેદી સવારે ગુરુશંકા માટે ટોઇલેટમાં ગયો હતો. ત્યારબાદ તે ટોઇલેટની પાછળના કાચ ઊંચા કરી ત્યાંથી હાથકડી સાથે પલાયન થઇ ગયો હતો. આ મામલે શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
જેલ પોલીસમાં હવાલદાર રમેશજી કાળાજી પુજારા આજે સવારે કાચા કામના કેદી પ્રકાશ ઉર્ફે પોટલી નરસિંહભાઇ ચુનારાને પેટની તકલીફ હોવાને કારણે 27 જુલાઇના રોજ સિવિલ હોસ્પિટલ જાપ્તા સાથે લઇ નીકળ્યા હતા.
જ્યાં વધુ સારવાર માટે આરોપીને ઇ-4 વોર્ડના ખાટલા નંબર 20માં દાખલ કરવામાં આવ્યો હતો. જેથી ત્રણ શિફ્ટમાં જાપ્તા પોલીસને ત્યાં બંદોબસ્ત માટે મૂકવામાં આવી હતી. આજે સવારે સિપાહી કિરણ ચૌધરી અને રમેશજી જાપ્તામાં ઇ-4 વોર્ડ ખાતે ફરજ પર આવ્યા હતા. દરમિયાનમાં સવારે 8.25 વાગ્યે કેદી પ્રકાશે ગુરુશંકા કરવાનું કહેતા તેને બાથરૂમ પાસે લઇ ગયા હતા. જ્યાં બાથરૂમની સફાઇ કર્મચારીઓ કરી રહ્યા હતા.
તેથી અન્ય દર્દીઓ પણ લાઇન લગાવી ત્યાં ઊભા હતા. જ્યાં પ્રકાશ બાથરૂમમાં ગયો હતો અને પાંચ મિનિટ સુધી તે બહાર આવ્યો ન હતો અને બાથરૂમમાં કંઇક તૂટવાનો અવાજ આવી રહ્યો હતો. જેથી જાપ્તા પોલીસે પ્રકાશને બૂમો પાડી હતી પરંતુ તે જવાબ આપતો ન હતો. જેથી પોલીસે બાથરૂમનો દરવાજો તોડી અંદર ચેક કરતા પ્રકાશ અંદર ન હતો. તે બાથરૂમની પાછળ કાચ ઊંચો કરી ત્યાંથી પલાયન થઇ ગયો હતો. જેથી આ મામલે રમેશજીએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી.