અમદાવાદમાં ડ્રાઇવ ઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થમાં રહેતા 75 વર્ષના વૃદ્ધને અડધી રાત્રે તેની માથાભારે પત્નીએ ઘરની બહાર કાઢી મૂકતા તેઓ વકીલ પાસે પહોંચ્યા હતા. તેમણે વકીલની મદદથી ફેમિલી કોર્ટમાં પત્નીની ક્રૂરતા અને વ્યભિચારથી ત્રસ્ત થઇને છૂટાછેડા માટે અરજી કરી છે. વૃદ્ધે કરેલી અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે તેની બીજી પત્ની અને તેના 10થી વધુ પુરુષ મિત્રોએ ભેગા થઇને તેમની તમામ મરણમૂડી અને ફ્લેટ પચાવી પાડ્યો છે અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. તેની બીજી પત્ની હાલ 70 વર્ષની છે તેના અનેક પુરુષ મિત્રો સાથે અનૈતિક સંબંધો છે. તે રોજે બપોરે તૈયાર થઇને ઘરની બહાર જતી રહે છે અને રાત્રે 11 વાગે આવે છે. ઘરનાં તમામ કામ પતિ પાસે કરાવે છે.
મૂળ જસદણના અને જીઆઇડીસીમાંથી નિવૃત્ત થયેલા અને આકાશવાણીમાં 22 વર્ષ સુધી ગીતો ગાનાર 75 વર્ષના વૃદ્ધને તેની 70 વર્ષની બીજી પત્ની છેલ્લાં 30 વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હતાં. વૃદ્ધ નિવૃત્ત થતાં તેમની 50 લાખની બચત અને સોના-ચાંદીના દાગીના પચાવી પાડનાર વૃદ્ધાએ થોડા દિવસ પહેલાં પતિને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માગવા અરજી કરી છે. તેમની બીજી પત્ની છેલ્લાં 30 વર્ષથી રોજ બપોરે તૈયાર થઇને કહ્યા વગર ઘરની બહાર જતી રહે છે. તેને પૂછવામાં આવે તો એવા જવાબ આપે છે કે તેને 50 પુરુષો સાથે સંબંધ છે અને હજુ પણ રાખશે.
75 વર્ષીય વૃદ્ધે કોર્ટ સમક્ષ તેની પત્નીના 10 પુરુષમિત્રોનાં નામ અને તેમની સાથે કરતી અશ્લીલ વાતોના પુરાવા રજૂ કર્યા હતા. જેને તપાસતા કોર્ટ ચોંકી ઊઠી હતી. પત્ની જુવાન હતી ત્યારે પાડોશમાં રહેતા લોકો તેના પતિને કહેતા હતા કે તમે નોકરીએ જાઓ પછી રોજે તમારા ઘરે નવા નવા પુરુષો આવે છે.