લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષોમાં ચહલપહલ વધી ગઈ છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આકરા પાણીએ જોવા મળ્યા છે. ગુજરાત કોંગ્રેસના જિલ્લા, મહાનગરોના પ્રમુખોને શક્તિસિંહે ચેતવણી આપી છે. શક્તિસિંહે કહી દીધું કે, કામ કરો નહીં તો હોદ્દો છોડવની તૈયારી રાખો. વિધાનસભા ચૂંટણીમાં ભુંડા હાલ બાદ હવે ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં નસીબ અજમાવવા મેદાને આવ્યું છે. ગુજરાત કોંગ્રેસને હવે નવા સુકાની મળ્યા છે. શક્તિસિંહ ગોહિલને સત્તા પર આવ્યે હજી બે જ મહિના થયા છે, ત્યારે તેઓએ સપાટો બોલાવ્યો છે. રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના પ્રમુખની એક બેઠક કોંગ્રેસ કાર્યાલયમાં મળી હતી. આ બેઠકમાં શક્તિસિંહ આકરા પાણીએ આવ્યા હતા. તેઓએ કોંગ્રેસના જિલ્લા, મહાનગરોના પ્રમુખોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. બેઠકમાં શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ સંભળાવ્યું કે, બદલાવ માટે તૈયાર રહો. કામ કરો નહિ, તો હોદ્દો છોડો. કામ નહિ કરો તો હોદ્દો છોડવાની તૈયાર રાખો. શક્તિસિંહે કહ્યું કે, નેતાઓની ચિઠ્ઠીના આધારે પદની લહાણી બંધ થશે. શક્તિસંહ ગોહિલે જિલ્લા, મહાનગરોના પ્રમુખોની બેઠકમાં કડક શબ્દોમાં ચેતવણી આપી છે. કામ ના કરનારાઓને બદલા તૈયાર રહેવા ચેતવણી આપી. સાથે જ કહ્યું કે, આગામી દિવસોમાં જિલ્લા અને શહેર પ્રમુખ બદલાઈ શકે છે. કામ કરનારાઓને જ પક્ષમાં મહત્વ મળશે. શક્તિસંહ ગોહિલે નેતાઓનું વ્યક્તિગત નામ લીધા વગર કહ્યું કે, પક્ષમાં કામ કરનાર વ્યક્તિને જ મહત્વ મળશે. અત્યાર સુધી કેટલાક કિસ્સાઓમાં કોંગ્રેસમાં નેતાઓની ચિઠ્ઠીઓના આધારે હોદ્દાઓની લ્હાણી થતી હતી. આ પદ્ધતિમાંથી કોંગ્રેસ હવે બહાર આવશે. કોંગ્રેસની વિચારધારાને જનમાનસ સુધી પહોંચાડનારને સંગઠનમાં સ્થાન મળશે. પક્ષ માટે કામ કરતા કાર્યકર અને નેતાઓની કારકિર્દીઓની ચિંતા કોંગ્રેસ કરશે. સાથે જ તેઓએ કોંગ્રેસના પ્રમુખોને સમાજના વિવિધ ક્ષેત્રમાં સ્થાનિક કક્ષાએ કામ કરતા કોઈ પણ વ્યક્તિને પક્ષ સાથે જોડીને કોંગ્રેસને મજબૂત કરવા હાકલ પણ કરી.