વડોદરાના રાવપુરમાંથી પંચાલ પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્ની અને પુત્રનું મોત થયું અને પિતાને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પુત્રનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જયારે પત્નીને ઝેર આપીને પિતાએ ગળાના ભાગે બ્લેડ મારી આત્મહત્યા કરી હતી. વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા પિરામિતા રોડની કાછીયા પોળ ખાતે ભાડાના મકાનમાં રહેતા પંચાલ પરિવારએ સામૂહિક આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. સામૂહિક આપઘાત કેસમાં માતા નયનાબેન પંચાલ અને પુત્ર મિતુલ પંચાલનું મોત થયું છે. જ્યારે પતિ મુકેશ પંચાલને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સામૂહિક આપઘાતમાં 25 વર્ષના પુત્ર મિતુલ પંચાલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, જ્યારે માતા નયનાબેને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો, જ્યારે પતિ મુકેશ પંચાલે ગળાના ભાગે રેઝર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો. પંચાલ પરિવાર છેલ્લા 5 વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા. ઘટના બાદ મકાન માલિકે પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરાતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મકાનમાં બીજા માળે રહેતાં પંચાલ પરિવારના ઘરમાં જોતા પુત્ર ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો, જ્યારે માતાએ ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું. પોલીસે સમગ્ર કેસમાં FSLની પણ મદદ લીધી. FSLની ટીમે ઘટનાસ્થળેથી વિવિધ પુરાવાઓ એકત્રિત કર્યા. મુકેશ પંચાલ સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ 24 કલાક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા,જ્યારે 25 વર્ષનો પુત્ર મિતુલ હાલ કોઈપણ કામ ધંધો કરતો ન હતો, પરંતુ તે શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ઘટનાના પગલે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. DCP ઝોન 2 અભય સોનીના જણાવ્યા મુજબ ઘટનાસ્થળ પરથી પોલીસને એક ડાયરી મળી છે. જેમાં લખેલી નોટની ખરાઈ કરવામાં આવી રહી છે, જેમાં મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહ્યું તે બાબતે અમે તપાસ કરી રહ્યા છે, સાથે જ પરિવારે આર્થિક સંકડામણના કારણે પણ આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારના માથે દેવું પણ ઘણું થઈ ગયું છે. પુત્ર મિતુલ પંચાલને શેર માર્કેટમાં નુકશાન પણ થયું હોવાની માહિતી પોલીસને મળી છે.