અમદાવાદના સોલા પોલીસે એક નકલી NIA અધિકારીને ઝડપીને જેલના હવાલે કર્યો છે. 31 વર્ષીય ગુંજન કાતીયા નામનો શખ્શ અમરેલી જિલ્લાનો વતની છે અને તે લાંબા સમયથી ગાંધીનગરમાં રહે છે. આ દરમિયાન તે માણસામાં વિઝા કન્સલ્ટીંગનુ કામકાજ કરતો હતો. પરંતુ તેણે પ્રેમિકા સાથે લગ્ન કરતી વેળા પોતે NIAમાં અંડર કવર અધિકારી હોવાનુ કહ્યુ હતુ. તેણે પ્રેમિકા સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. જોકે પત્નિએ પોતાના NIA એ અધિકારીને ઓફીસ જોવી હતી અને આ માટે તેણે જીદ પકડી હતી. આથી પત્નિની જીદને વશ થઈને ગુંજન કાતીયા પત્નિને લઈ NIA ની ઓફીસે પહોંચ્યો હતો. જ્યાં તેણે NIA માં ભરતી કેવી રીતે થાય એ અંગેની ચર્ચા કરતો હતો. આથી સ્થાનિક કર્મચારીઓ અને અધિકારીઓને કચેરીમાં ગુંજનની વર્તણૂંક શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં તેને એટીએસને બોલાવીને સોંપવામાં આવ્યો હતો. એટીએસની ટીમે નકલી અધિકારી બનીને પત્નિને ઓફિસ બતાવવા લઈને આવેલ ગુંજન કાતીયાને ઝડપીને લઈને પૂછપરછ હાથ ધરી હતી.એટીએસ કચેરી લઈ આવીને તેની પૂછપરછ દરમિયાન તેની પાસેથી ચોંકાવનારા ખુલાસા થયા હતા. ગુંજન પાસેથી NIA નુ બનાવટી કાર્ડ સહિત ત્રણ જેટલા નકલી કાર્ડ મળી આવ્યા હતા. એટીએસે ત્રણેય કાર્ડ લઈને તપાસ શરુ કરી હતી. જેમાં તે નકલી કાર્ડ બનાવીને ફરતો હોવાનો અને રોફ મારતો હોવાનુ ખૂલ્યુ હતુ. એટીએસ ટીમે આરોપી ગુંજનને સોલા પોલીસ મથકે સોંપ્યો હતો અને જેને લઈ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ગુંજનને તેની પત્નિએ જીદ કરી હતી કે તેને તેમની ઓફિસ જોવી છે. NIA ની ઓફિસ કેવી છે અને કેવી રીતે કામકાજ ચાલે છે એ જોવા માટે જીદ પકડી હતી. પત્નિ છેલ્લા કેટલાય મહિનાથી પતિની ઓફીસ જોવાની જીદ ધરાવતી હોવાને લઈ આખરે ગુજન પત્નિને લઈને NIAની ઓફિસ પહોંચ્યો હતો અને આખરે ત્યાં તેનો ભાંડો ફુટી ગયો હતો. ગુંજન ની તપાસ કરતા તેની પાસેથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંડરટેકિંગ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું આઈકાર્ડ મળ્યું હતું. જેમાં ગુંજન હિરેનભાઈ કાંતિયા રેન્ક સબ ઇન્સ્પેક્ટર (ડેપ્યુટેશન) લખેલું હતુ. કાર્ડ પર એનકે ત્યાગી સુપ્રિટેન્ડન્સ ઓફ પોલીસ (એડમીન) NIA ની સહી કરેલી હતી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ લખેલું હોય, જેમાં હોદ્દો જુનિયર ટાઉન પ્લાનર IES ગ્રેડ 2 લખેલું હતું. તેમજ ઇસ્યુઈંગ ઓથોરિટી ડેબાસિસ બિસ્વાલ ડેપ્યુટી સેક્રેટરી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સહી કરેલી હતી. ત્રીજું આઈકાર્ડ તપાસતા ગવર્મેન્ટ ઓફ ગુજરાત રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ લખેલું હોય, જેમાં ગુંજન કાંતિયા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકેની ઓળખ બતાવી હતી, જેમાં એન્જિનિયર પંચાયત સર્કલ રાજકોટના હોદ્દા ઉપર સહી કરેલી હોય તે પ્રકારના અલગ અલગ આઈકાર્ડ મળી આવ્યા હતા.