અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકને જીવ ગુમાવ્યો છે. પાટણના યુવાને અમેરિકામાં જીવ ગુમાવ્યો છે. યુવાન અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાનો ભોગ બન્યો હતો. સિગ્નલ બંધ હતું ત્યારે દર્શિલ રોડ ક્રોસ કરતો હતો એવામાં અચાનક સિગ્નલ ખુલી જતા કારે ટક્કર મારી દીધી હતી. મૃતક યુવકનું નામ દર્શિલ રમેશભાઈ ઠક્કર હતું અને તેમનો પરિવાર પાટણની શિવકૃપા સોસાયટીમાં રહે છે.મળતી માહિતી પ્રમાણે દર્શિલ ટુરિસ્ટ વિઝા ઉપર અમેરિકા ગયો હતો. દર્શિલનાં મોતના સમાચાર જાણી પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. કારકિર્દીના ઘડતર માટે ગયેલો આશાસ્પદ યુવક જિંદગીની જંગ હારી જતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, યુવકનો મૃતદેહ એટલી હતે ક્ષતિગ્રસ્ત થયો છે કે, તેને ભારત લાવવો શક્ય નથી. આ અંગે દર્શિલના અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારે મૃતદેહને ભારત લાવવા માટે પીએમઓ ઉપરાંત સી.એમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. આ મામલે સરકારનો સહકાર પણ મળ્યો હતો, પરંતુ અમેરિકાના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઇ જઈ શકાય તેવી હાલતમાં નથી. જેથી હવે દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.