મોંઘવારીનો વધુ એક ડામ પીજીમાં અને હોસ્ટેલમાં રહેતા લોકોને ખમવો પડશે. કારણ કે, PG તેમજ હોસ્ટેલમાં રહેતા લોકોને ભાડા પર હવેથી 12 ટકા GST ચૂકવવો પડશે. અત્રે જણાવીએ કે, આ બાબતને લઈ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગે આદેશ આપ્યો છે
ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગે આદેશ આપતા કહ્યું કે, રેસિડેન્શિયલ ફ્લેટ, મકાન, હોસ્ટેલ, PG એકસમાન નહીં અને હોસ્ટેલ-PG જેવી કર્મશિયલ ગતિવિધિના સ્થળો પર GST અનિવાર્ય છે. અત્યાર સુધી 1 હજારના ભાડા સુધી હોટેલ, ક્લબને છૂટ મળતી હતી તેમજ AARએ રૂપિયા 1 હજાર સુધીની છૂટ પરત લેતા હવે GST ચૂકવવું પડશે.
સિનિયર CA સિદ્ધાર્થ ભટ્ટે જણાવ્યું કે, જે પીજી તરીકે રહે છે તેમજ જે લોકો હોસ્ટેલમાં રહે છે અથવા જે લોકો ધાર્મિક યાત્રા સ્થળે રહેતા હોય છે એમને પણ આ 12 ટકા જીએસટી લાગુ પડશે. પરંતુ પીજી ઓનરને 20 લાખ કરતા આવક ઓછી હોય તો જીએસટી એપ્લીકેબલ ન થાય પરંતુ જો એમનો ટન ઓવર 20 લાખ ઉપર થાય તો એમને જી એસ ટી નંબર લેવો પડે અને જીએસટી ચુકવવો પડશે
PG સંચાલકો અને રહેનારાઓએ નારાજગી વ્યક્ત કરી છે. સંચાલકોએ કહ્યું કે, 12 ટકા GST લાવતા પડતા પર પાટુની સ્થિતિ સર્જાઈ છે. જેમાં શાકભાજી, ગેસ બોટલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. સતત ચીજ વસ્તુઓમાં ભાવ વધતા હોવાથી અમને પોસાતું નથી તેમજ 12 ટકા GST આવતા અમને સંચાલન કરવું મુશ્કેલ બનશે. તો બીજી તરફ પીજીમાં રહેનારા લોકોએ જણાવ્યું કે, અમારે ઘરેથી રુપિયા વધારે મંગાવવા પડશે અને હાલ બહુ મોંઘવારી છે ને હજુ ભારણ વધશે