અમદાવાદના હાટકેશ્વર બ્રિજ કાંડ મામલે મ્યુનિ.ના ટેક્નિકલ સુપરવાઈઝરની ધરપકડ થઈ છે. જેમાં કોર્ટની ટકોર પછી જાગેલી AMCએ નાના કર્મચારીનો ભોગ લીધો છે. તેમાં સતીષ પટેલને કોર્ટમાં રજૂ કર્યા બાદ એક દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. બ્રિજના બાંધકામ વખતે કયા અધિકારીઓને અને કર્મીઓની કઈ કઈ ફરજો હતી તે મુદ્દે તપાસ શરૂ કરાઇ છે.
ખોખરાના હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં ગંભીર ચૂક દાખવવાના મામલે કોર્ટની ટકોર બાદ આખરે પોલીસે એએમસીના નાના કર્મચારીની ધરપકડ કરી છે. ખોખરા પોલીસે એએમસીના ટેક્નિકલ સુપરવાઈઝર સતીષ પટેલની ધરપકડ કરીને કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસનીશ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે, બ્રિજના બાંધકામ વખતે કયા અધિકારીઓને અને કર્મીઓની કઈ કઈ ફરજો હતી સહિતના મુદ્દે તપાસ કરવાની છે.
એએમસી દ્વારા હાટકેશ્વર બ્રિજમાં ટેકનીકલ સુપરવાઈઝર તરીકે સતીષ પટેલ ફરજ બજાવતા હતા. તેમની ફરજના સમય દરમ્યાન સાઇટ ઉપર હાજર ન રહીને સુપરવિઝનનું કામ બરોબર નિભાવેલ નથી. બ્રિજ પરનું કામકાજ બરાબર થાય છે કે કેમ તેની જવાબદારી આરોપીની હતી. હાટકેશ્વર બ્રિજ પર ચાલતા કામમાં કેટલો સિમેન્ટ, સ્ટીલ, કપચી તેમજ એડમીક્ષરનો ઉપયોગ થયેલ છે તેની તપાસ કરવાની બાકી છે. આરોપી પાસે ઓવરબ્રિજ બનાવવા માટે ટેસ્ટ્રીંગને લગતા અને મટીરીયલ બિલોના રજિસ્ટ્રરોની તપાસ કરવાની છે. કેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ હાટકેશ્વર બ્રિજ વખતે કઈ કઈ ફરજો બજાવી છે તેની તપાસ કરવાની બાકી છે. જેથી આરોપીના રિમાન્ડ મંજૂર કરવા જોઈએ.
તાજેતરમાં એક જામીન અરજીની સુનાવણી વખતે કોર્ટે તપાસનીશ અધિકારી પાસેથી એએમસીના અધિકારીઓની સંડોવણી અંગે શુ તપાસ કરી તેનો રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. જેના પગલે કોર્પોરેશનના નીચલા કર્મચારીની ધરપકડ કરી પોલીસે સંતોષ માન્યો છે.