છેલ્લા કેટલાય સમયથી ટામેટાના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યા હતા. જો કે હવે તેમના માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાલ ટામેટાના ભાવ છેલ્લા ત્રણ દિવસમાં અડધા જેટલા થઇ ગયા છે. જેના કારણે સૌથી વધુ ખુશી ગૃહિણીઓમાં જોવા મળી રહી છે. આગામી સમયમાં ટામેટાના ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. લાંબા સમય બાદ ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટામેટાના ભાવમાં તોતિંગ ઘટાડો થયો છે. ત્રણ દિવસમાં ટામેટાના ભાવ અડધા થયા છે. ત્રણ દિવસ પહેલા જથ્થાબંધમાં 140 રૂપિયે વેચતા ટામેટાનો ભાવ 80 રૂપિયા થયો છે. જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલો છે. રિટેલ બજારમાં ટામેટાના ભાવ થયા 180થી ઘટીને થયા 120 રૂપિયા સુધી ચાલી રહ્યા છે. બજારમાં ટામેટાની આવક વધતા ટામેટાના ભાવ ઘટી રહ્યા છે. દેશભરના બજારોમાં પણ ટામેટાના ભાવ ઘટી રહ્યા છે. હાલ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી ટામેટા આવી રહ્યા છે. મહારાષ્ટ્રથી ટામેટાની આવક વધવાના કારણે આ અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે ચોમાસાના આગમન સાથે જ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ટામેટાના ભાવ માત્ર ગુજરાત જ વધ્યા ન હતા,પરંતુ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત લગભગ આખા દેશમાં તે મોંઘા થઈ ગયા હતા. જૂનના ત્રીજા સપ્તાહ સુધી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટામેટાના ભાવ જુલાઈમાં 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા.જેના કારણે સામાન્ય માણસ માટે ટામેટા ખરીદવા શક્ય ન હતા.