ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8.30 કલાકે કુડાસણ ખાતેના અર્બેનિયા મોલથી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. માન. મેયરશ્રી હિતેષભાઈ મકવાણા, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી જે.એન. વાઘેલા, ડે. મ્યુનિ. કમિશનરશ્રી કેયૂર જેઠવા અને કાઉન્સિલરશ્રીઓ દ્વારા તિરંગા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અર્બેનિયા મોલથી રિલાયંસ ચાર રસ્તા, અપના અડ્ડા થઈને સરદાર ચોક સુધી યાત્રા ચાલી હતી. જેમાં અંદાજે 10 હજાર જેટલા નગરજનો, શાળાના બાળકો, પોલિસના જવાનો, ડિફેન્સ એકેડમીના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાથી ગાંધીનગર તિરંગામય બનીને દેશભક્તિના રંગે રંગાયું હતું.
આ ભવ્ય તિરંગા યાત્રામાં સિદી ધમાલ ડાંસ સહિતના સાંસ્કૃતિક નૃત્યોનું આયોજન યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પોલિસના જવાનો અને વિવિધ શાળાના બાળકો દ્વારા બેન્ડ અને ક્રાંતિકારીઓની વેશભૂષાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીનું શહેર સંગઠન, યુવા સંગઠન, મહિલા મોર્ચો પણ ઉપસ્થિત રહ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા તમામ સહભાગીઓ માટે પાણી તેમજ લિંબુ પાણીનું આયોજન કરવામા આવ્યું હતું.