અનેકવખત વિવાદોમાં ફસાયેલી ગુજરાત સરકાર રાજ્યમાં હજી કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારતી નથી. દેશના રાજ્યોમાં કોરોના ટેસ્ટ કરાવવામાં ગુજરાતનો ક્રમ આઠમો છે. દેશમાં સૌથી વધુ ટેસ્ટ મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકાર કરે છે. તામિલનાડુ અને રાજસ્થાનમાં પણ ટેસ્ટની સંખ્યા વધી રહી છે.
દેશમાં પ્રતિદિન સૌથી વધુ 20 હજાર જેટલા ટેસ્ટ તામિનાડુમાં થાય છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં પણ રોજના 15 હજારથી વધુ કેસ થાય છે. આંધ્રપ્રદેશમાં 12 હજાર, જમ્મુ-કાશ્મીરમાં 10 હજાર અને પશ્ચિમ બંગાળમાં પણ 10 હજાર થી 12 હજાર જેટલા ટેસ્ટ થાય છે, જ્યારે ગુજરાતમાં ચાર થી છ હજાર ટેસ્ટ થાય છે.
કોરોના ટેસ્ટનો ખાનગી લેબોરેટરીનો ભાવ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તેલંગાણામાં 2200 રૂપિયા છે. દિલ્હીમાં 2400 રૂપિયા છે. આંધ્રપ્રદેશમાં 2900 રૂપિયા છે જ્યારે ગુજરાતમાં 4500 રૂપિયા છે. ગુજરાત સરકાર ખાનગી લેબોરેટરીને ટેસ્ટના દરો ઓછા કરવાના આદેશ આપી શકતી નથી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સમગ્ર દેશમાં કોરોના ટેસ્ટનો ભાવ સરખો કરવા માટે ટકોર કરી છે તેમ છતાં વિવિધ રાજ્યો પોતાની રીતે ટેસ્ટના દામ લઇ રહી છે. ખાનગી લેબોરેટરીઓ ગુજરાતમાં દર્દી પાસેથી એક વખત ટેસ્ટ કરવાના 4500 રૂપિયા પડાવે છે.