દિયોદરમાં ભાજપના ધારાસભ્યના સમર્થકે ખેડૂત નેતાને થપ્પડ માર્યા બાદ ખેડૂતોએ દિયોદરથી ગાંધીનગર સુધી ન્યાય કૂચ શરૂ કરી હતી. પોલીસે ન્યાય યાત્રાને ગોઝારિયા નજીક અટકાવી હતી અને પોલીસ ખેડૂત આગેવાન અમરા ચૌધરી અને અન્ય ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ ગઈ હતી. જ્યાં CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી. સીએમ સાથેની મુલાકાત બાદ ખેડૂત નેતા અમરા ચૌધરીએ ન્યાય યાત્રાના સમાપનની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ્ય ન્યાયની ખાતરી આપી છે અને અમે આ આંદોલન છેડી રહ્યા છીએ. જો અમારી તમામ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે ફરીથી આંદોલન શરૂ કરીશું. આ મામલે હવે ભુજ રેન્જ આઈજી સમગ્ર મામલાની તપાસ કરશે. રેન્જ આઈજી સાથે ખેડૂતોની બેઠક પણ યોજાઈ હતી. સરકારે તમામ જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપ્યા બાદ ખેડૂત આગેવાનોએ રેલી સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.