પશ્ચિમ આફ્રિકાના દેશ કેપવર્ડે ટાપુઓના દરિયાકાંઠે સેનેગલથી પ્રવાસીઓને લઈ જતી બોટ દરિયામાં ડૂબી જતાં 60થી વધુ લોકોના મોત થયા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન એ બુધવારે આ માહિતી આપી. IOMના પ્રવક્તા સફા મશેલીએ જણાવ્યું કે 63 લોકોના મોતની આશંકા છે. સાથે જ 38 લોકોને બચાવી લેવાયા છે. જેમાં 12 થી 16 વર્ષની વયજૂથના ચાર બાળકોનો સમાવેશ થાય છે. ‘પિરોગ’ તરીકે ઓળખાતી લાકડાની માછીમારીની બોટ સોમવારે એટલાન્ટિક મહાસાગરમાં સાલના કેપ વર્ડિયન ટાપુથી લગભગ 150 નોટિકલ માઇલ (277 કિલોમીટર) દૂર જોવા મળી હતી.
સ્પેનિશ ફિશિંગ જહાજે આ જોયું અને તેણે કેપ વર્ડિયન સત્તાવાળાઓને જાણ કરી હતી. કેપવર્ડે ટાપુઓ સ્પેનિશ યુરોપિયન યુનિયનનું પ્રવેશદ્વાર એવા કેનેરી ટાપુઓના દરિયાઇ માર્ગ પર આશરે 600 કિલોમીટર (350 માઇલ) દૂર સ્થિત છે.સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. સામાન્ય રીતે જયારે દરિયાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત બને છે ત્યારે લાપતા લોકોને મૃત માની લેવામાં આવે છે.સેનેગલના વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે બોટ 10 જુલાઇના રોજ 101 લોકો સાથે સેનેગલના માછીમારી ગામ ફાસે બોયેથી નીકળી હતી.