રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના મતવિસ્તારના કામ માટે અવારનવાર આઇએએસ અધિકારીથી લઇને તલાટી સુધી સંપર્ક કરતા હોય છે. ધારાસભ્યો અને સાંસદો સહિતના નેતાઓની અનેક વખત ફરિયાદ ઊઠી છે કે અધિકારીઓ ગાંઠતા નથી અને અમુક તો એવો રોફ મારે છે કે જાણે તેઓ નેતાઓને ખિસ્સામાં રાખતા હોય. છેવટે આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા રાજ્ય સરકારે વિધિવત પુનઃ પરિપત્ર કર્યો છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન નંબર સેવા રાખવા અને તેમનો ફોન આવે અને મિસ્કોલ થઇ જાય તો અધિકારીઓએ યોગ્ય સમયે તેનો પ્રત્યુત્તર આપવો પડશે. આ સૂચનાનું પાલન સરકારના તમામ વિભાગના વડા અને બોર્ડ-નિગમના અધિકારીઓએ કરવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારે અગાઉ વર્ષ ૨૦૦૬માં આ પ્રકારનો પરિપત્ર કર્યો હતો.સાંસદો,ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપતિ કે મેયર ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવાથી તેમને ગાંધીનગરથી લઇને સરકારની વિવિધ કચેરી, બોર્ડ,નિગમ સુધીની કામગીરી હોય છે. આવા સંજાેગોમાં અધિકારીઓને રૂબરૂમાં મળવા આવતા ધારાસભ્યો એક વખત તેમના કામની રજૂઆત કરી જાય છે, આ પછી કામગીરી કયાં પહોંચી, મંજૂરી મળી કે નહીં, કયારે પૂરી થશે આવા અનેક પ્રશ્નોને લઇને તેઓ અધિકારીઓ પૂછપરછ કરતા હોય છે. આ પૂછપરછ તેઓ રૂબરૂમાં કે ફોનથી કરતા હોય છે.કેટલાક સંજાેગોમાં અધિકારીઓ ફોન ઉપાડતા નથી અથવા તો કાર્યાલય બહાર ગયા હોવાથી ફોન પર વાતચીત થતી નથી. ઉપરાંત એવી પણ ફરિયાદ સાંસદો,ધારાસભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતા હોય છે કે અધિકારીઓ જવાબ આપતા નથી. આ મુદ્દે વિધાનસભામાં પણ અનેક વખત રજૂઆત થઇ છે. આ બાબતે રાજ્ય સરકારે પણ અવારનવાર અધિકારીઓને સૂચના આપી હતી,પણ તેનું ચુસ્ત પાલન ન થતાં છેવટે સરકારે પુનઃપરિપત્ર કરીને તાકીદ કરવાની ફરજ પડી છે.રાજ્ય સરકારે પરિપત્ર કરીને સ્પષ્ટ કહ્યું છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓનો નંબર અધિકારીઓએ સેવા રાખવા અને મિસ્કોલ થઇ જાય તો યોગ્ય સમયે વળતો ફોન કરવો. ઉપરાંત લેન્ડલાઇન પર ફોન આવે અને અધિકારી વાત કરી ન શકે તેવી સ્થિતિમાં હોય તો તેમના અંગત સચિવ કે રહસ્ય સચિવે તે ફોનની નોંધ કરીને તેની યાદી રાખશે અને અધિકારી આવે એટલે તરત જ તેનું ધ્યાન દોરવાનું રહેશે.ચૂંટાયેલા નેતાઓ પ્રજાનાં ઓછાં અને પોતાના કામ વધુ કરે છે-અધિકારીઓમાં ગણગણાટ અધિકારીઓમાં ગણગણાટ એવો છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાનાં કામ માટે આવે છે,પણ સાથે વ્યક્તિગત કામો પણ હોય છે. પ્રજાનાં કામો તો નિયમસરના હોય છે તે થઇ જાય છે,પણ પોતાના કામ માટે વધારે આંટાફેરા મારતા હોય છે તેવી ચર્ચા સચિવાલયમાં થઇ રહી છે,જેના કારણે અધિકારીઓ પણ આ પ્રકારના નેતાઓને જવાબ આપવામાં વહેલુ-મોડું કરતા હોય છે.