માણસાના કંસારા બજારમાં આવેલી આધ્ય શક્તિ જ્વેલર્સ નામની દુકાનમાં ખરીદી કરવાના બહાને આવેલી પાંચ મહિલાઓ સોનાની બુટ્ટી, વીંટીઓ, કાનની કડીઓ સહિત કુલ રૂ. 1.60 લાખના દાગીના સેરવી લઈ ફરાર થઈ જતાં માણસા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.
માણસા કંસારા બજારમાં આધ્યશક્તિ જ્વેલર્સ નામની દુકાનમાં સોના ચાંદીના દાગીના બનાવી અને વેચવાનો ધંધો કરતાં કનુભાઇ ભવાનભાઇ સોની ગઈકાલે સાંજના સમયે દુકાને હાજર હતા. એ વખતે પાંચ મહીલાઓ દુકાને ગઈ હતી અને રાખડીઓ બતાવવાનું કહેવા લાગી હતી. આથી કનુભાઈએ રાખડીઓ બતાવતા મહિલાઓએ 500 રૂપિયામાં એક રૂદ્રાક્ષની રાખડીની ખરીદી કરી હતી. ત્યારબાદ તેમણે સોનાની બુટ્ટી બતાવવાનું કહેતા કનુભાઈએ સોનાની બુટ્ટીઓ બતાવી હતી. એટલે મહિલાઓએ સોનાની કાનની વાળીઓ પણ જોવા માંગી હતી. જો કે મહિલાઓને એકેય વસ્તુ પસંદ આવી ન હતી.
બાદમાં તેઓએ પાણી પીવાનું માગ્યું હતું. જેથી કનુભાઈએ પાણી લાવીને આપ્યું હતું. જેની થોડી મિનિટોમાં જ પાંચેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યારે કનુભાઈએ દુકાનનો સ્ટોક ચેક કરતાં એક સોનાની બુટ્ટી ખોટી જણાઈ આવી હતી. જેથી બાકીનો સ્ટોક ચેક કરતાં એક જોડ સોનાની બુટ્ટી, આઠ નંગ સોનાની વીંટીઓ, પાંચ જોડ સોનાની કાનની કડીઓ ગાયબ હતી. બાદમાં કનુભાઈ દુકાનનાં સીસીટીવીની ચકાસણી કરતાં પાંચેય મહિલાઓ કનુભાઈની નજર ચૂકવી રૂ. 1.60 લાખના દાગીના ચોરી લેતાં જોવા મળી હતી. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.