અમદાવાદ-મુંબઈ વચ્ચે બની રહેલા હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેનના એક પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી પડતાં તંત્ર દોડતું થયું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં બુલેટ ટ્રેનનાં 8 સ્ટેશન છે, જે પૈકી વડોદરામાં એક જ છે. મોડી રાત્રે પિલર બનાવવા માટે તૈયાર કરેલું સ્ટીલનું સ્ટ્રક્ચર એક તરફ નમી પડતાં કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે.
મળેલી માહિતી પ્રમાણે, વડોદરા સ્ટેશન પછીના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેથી મુંબઈથી આવતી બુલેટ ટ્રેન પસાર થશે, ત્યારે આ હાઈ સ્પીડ રેલ વિશ્વામિત્રી બ્રિજની ઉપરથી પસાર થનાર હોઈ, એના માટે પિલર ઊભા કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની ખામી કે પછી નબળી કામગીરી ન થાય એ માટે પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે છતાં સ્ટ્રક્ચર ઊભું કરવામાં કોઈ ખામી સર્જાતાં અડધા પિલર પરનું સ્ટ્રક્ચર નમી પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલ વરસાદ કે વાવાઝોડું નથી છતાં અડધા તૈયાર થયેલા પિલર ઉપર સ્ટીલનું સ્ટ્રક્ચર તૈયાર કરાયું હતું. આ સ્ટીલના સ્ટ્રક્ચર ઉપર આરસીસી ભરવામા આવવાનું હતું, પરંતુ આરસીસી ભરવામાં આવે એ પહેલાં સ્ટીલનું સ્ટ્રક્ચર નમી પડતાં કામગીરી પર સવાલો ઊભા થયા છે.
મળેલી માહિતી પ્રમાણે, મોડી રાત્રે બનેલી આ ઘટના અંગેની જાણ હાઈ સ્પીડ રેલતંત્રને થતાં તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. નિર્માણાધીન બુલેટ ટ્રેન માટેનો પિલર બનાવવા તૈયાર કરેલું સ્ટીલનું સ્ટ્રક્ચર અચાનક નમી પડતાં ચકચાર મચી ગઈ હતી.