સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવવામાં આવી રહ્યું છે, જેમાં 5 બેઠકો છે, એમ સંસદીય બાબતોના કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે જણાવ્યું હતું.
“સંસદનું વિશેષ સત્ર (17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર) 18થી 22મી સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવી રહ્યું છે, જેમાં 5 બેઠકો છે.
અમૃત કાળની વચ્ચે સંસદમાં મહત્ત્વની ચર્ચાઓ થવાની આશા છે.” સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વીટ કર્યું. ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી હજી સુધી સંસદની વિશેષ બેઠકનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી.
રાજ્યસભાના સાંસદ અને શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ વિશેષ બેઠકની જાહેરાત પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, તે “દુર્ભાગ્યપૂર્ણ” છે કે “ભારતના સૌથી મહત્વપૂર્ણ ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન” સત્ર બોલાવવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વિશેષ બેઠક માટેનું આહ્વાન “હિંદુ ભાવનાઓની વિરુદ્ધ છે”.
ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાયું હતું, જેમાં 23 દિવસના સમયગાળામાં કુલ 17 બેઠકો યોજાઈ હતી.