છેલ્લાં કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં અતિવૃષ્ટિને કારણે જાન અને માલનું ભયંકર નુકસાન થવા પામ્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે સેંકડો માણસો તેમજ પ્રાણીઓ મોત નિપજયા છે. ભૂસ્ખલન જેવી પરિસ્થિતિને કારણે લોકોના માલ- મિલકત માટે પણ વિકટ સ્થિતિ ઊભી થવા પામી છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં એકલા હિમાચલ પ્રદેશમાં જ 72,000 કરોડ રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું છે.
ગત જુલાઈમાં પૂજ્ય બાપુએ અમેરિકાના બોસ્ટનમાં કથા કરી હતી અને એ સમયે પૂજય મોરારિબાપુએ રામકથાના શ્રોતાઓના સહયોગ વડે હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પ્રાકૃતિક આપદા આવી હતી તે માટે રૂપિયા 25 લાખનું અનુદાન જાહેર કર્યું હતું. પૂજ્ય બાપુની સંવેદના રૂપે શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા આજરોજ હિમાચલ પ્રદેશમાં સેવાનું અદભુત કાર્ય કરી રહેલી સેવા ભારતી સંસ્થા કે જે માનવસેવા અને માનવીય મૂલ્યોનેના કાર્યને વરેલ છે તેને રુપિયા ૨૫ લાખનું અનુદાન મોકલવામાં આવ્યું છે. સેવા ભારતી સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશના દુર દરાજના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તેમાં આ રાશિ અર્પણ કરવામાં આવી છે. આ રાશિ અર્પણ કરવા બદલ સેવા ભારતી સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો છે.