ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યના લોકોને જાહેર અપીલ કરી છે કે વ્હોટ્સએપથી કે બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને જો ન્યૂડ કોલ આવે અને હનીટ્રેપમાં ફસાવવાની કોઈ કોશિશ કરે તો ડરવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ વિના સંકોચે પોલીસને જાણ કરીને ગૃહ વિભાગની મદદ લઈ શકે છે.
કોઈની પણ જાળમાં ભૂલથી પણ ફસાઈ જાઓ તો ડરવાની કે તે વાતને છુપાવવાની જરૂર નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરતાં કહ્યું છે કે આવાં તત્વોના બ્લેકમેલથી બચવા માટે પોલીસ તમારી મદદ કરવા માટે તૈયાર છે.
યુવાનોને ડ્રગ્સના નશાથી બચાવવા માટે ગુજરાત પોલીસ હરહંમેશ તત્પર છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે કે તેઓ ડ્રગ્સના દૂષણ સામે લડવામાં પોલીસની અને સરકારની મદદ કરે. પોલીસ કોઈ પણ યુવાનને પકડીને જેલમાં નાખવા નથી માગતી. જે પણ યુવાનો ડ્રગ્સના દૂષણમાં ફસાઈ ચૂક્યા છે તેમનાં નામ ગુપ્ત રાખીને પોલીસ તેમને આ દૂષણમાંથી છોડાવવા માટે તૈયાર છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દરેકને અપીલ કરી છે કે ડ્રગ્સ સામેની લડાઈ ફક્ત પોલીસની કે સરકારની લડાઈ નથી.
આ લડાઈ આખા સમાજની છે. કોઈ જાણતું નથી ક્યારે કોનું સંતાન ડ્રગ્સની ચુંગાલમાં ફસાઈ જશે. પરંતુ તમામની ભાગીદારીથી ડ્રગ્સના દૂષણને ડામવા માટેના પ્રયાસોને વધુ તેજ બનાવવાના છે. તો ડ્રગ્સ માફિયાઓ સામેની લડાઈ તો ચાલુ છે પરંતુ ડ્રગ્સના દુષ્ચક્રમાં ફસાયેલા યુવાઓ વિના સંકોચે પોલીસને મળે તો પોલીસ તેમની દરેક રીતે મદદ કરવા તૈયાર છે. ગૃહ રાજ્યમંત્રીએ આ અપીલ કરી છે.