ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશનના કરોડો રૂપિયાની ફાળવણી વચ્ચે રાજ્ય સરકારની ખુદની પોલ ખોલતી જાહેરાત
અમદાવાદ
ગુજરાતમાં પીવાનું પાણી અને વપરાશના પાણી નામે થતા મોટા મોટા દાવાની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશનના કરોડો રૂપિયાની ફાળવણી વચ્ચે રાજ્યસરકારની ખુદની પોલ ખોલતી જાહેરાત કરી છે.અમદાવાદ મેગા સીટી-સ્માર્ટ સિટીમાં સરકારી કુમાર છાત્રાલય, રખિયાલ સરકારી કન્યા છાત્રાલય, સન્યાસ આશ્રમ, એલિસબ્રિજમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની સરકારી જાહેરાત જ દર્શાવે છે કે પાણી માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયા ક્યાં સગેવગે થઇ રહ્યા છે?
૧૦૦ ટકા ‘નળ સે જલ’, શુદ્ધ પીવાનું પાણી સહીત સિદ્ધીની જાહેરાતો કરતી ભાજપા સરકારમાં અમદાવાદ જેવા શહેરની મધ્યમાં અનુસુચિત જાતિના કુમાર-કન્યાને વપરાશના પાણી માટે ટેન્કર પર આધારિત રહેવું પડે છે. રાજ્યના ૮૨૫૦ ગામોમાં પાણીની નબળી ગુણવતા ધરાવે છે. ૨૭૯૧ ગામો ફ્લોરાઈડથી દુષિત ધરાવે છે. ૪૫૫ ગામો નાઇટ્રેટવાળું પાણી ધરાવે છે, અને ૭૯૨ ગામો ખારાશવાળું પાણી ધરાવે છે. આમ કુલ ૧૦૨૮૮ ગામો પીવાનું ખરાબ પાણી ધરાવે છે. એનો અર્થ એ છે કે ગુજરાતના કુલ ૧૮૭૧૫ ગામોમાંથી ૫૫ ટકા ગામોમાં પીવાનું પાણી શુદ્ધ નથી.
જલ જીવન મિશન હેઠળ કરોડો રૂપિયાનો ગુજરાતમાં થયો છે ભ્રષ્ટાચાર ? વડોદરા, છોટા ઉદયપુર, નવસારી, દાહોદ, મહીસાગર સહીત અનેક જીલ્લામાં ‘નલ સે જલ’ યોજના કાગળ પર કામગીરી પૂરી થઇ અને કરોડો રૂપિયા સગેવગે થઇ ગયા ! ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશન પાછળ છેલ્લા સાત વર્ષથી ૨૭૦૦૦ કરોડ રૂપિયા, આદિવાસી વિસ્તારમાં ૬૦૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા પણ આજે અનેક ગામો અને નગરપાલિકા વિસ્તારમાં પાણી માટે નાગરીકો વલખા મારી રહ્યા છે. હકીકતમાં વોટર સપ્લાય અને સેનિટેશનના નામે ભાજપના કોન્ટ્રકટરોની મિલી ભગતથી કરોડો રૂપિયાનો થયો છે ભ્રષ્ટાચાર ?