આણંદના બોરસદ સબજેલમાંથી ચાર કેદીઓ ફરાર થઈ જવાને લઈ પોલીસ અધિક્ષકે ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. બે દિવસ અગાઉ બેરેકના સળીયા નિચેના લાકડા વાળો ભાગ કાપી નાંખીને ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેમાં એક હત્યા, એક પ્રોહિબિશન અને બે બળાત્કારના આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપી ફરાર થવાની ગંબીર ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ સબજેલ પર ફરજ બજાવનારા ચાર પોલીસ કર્મીઓને તેમની બેદરકારીને ધ્યાને રાખીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોરસદ સબજેલમાં ફરજ બજાવતા ચારેય પોલીસ કર્મીઓએ રાત્રી દરમિયાન પોતાની ફરજમાં બેદરકારી દાખવતી હતી. તેમની બેદરકારીનો લાભ ઉઠાવીને ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. એએસઆઈ સુરેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ માલજીભાઈ, શેતલ કુમાર અને જયદીપસિંહને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પોલીસની સુરક્ષાના ઘેરા વચ્ચેથી જ આરોપીઓ જેલમાંથી ફરાર થઈ જવાની ઘટનાને લઈ હવે પોલીસે પણ તપાસ શરુ કરી છે.