આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત કચેરીના વીસીઈનો અને શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે
વ્હાલી દિકરી યોજનાના અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં કોઈ મુશ્કેલી જણાય તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ૯૨૨૭૮૯૯૧૫૧ પર સંપર્ક કરી શકાશે
અમદાવાદ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત હાલ વ્હાલી દિકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં છે. અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વ્હાલી દિકરી યોજનાના અને ગંગા સ્વરૂપા(વિધવા) લાભાર્થીઓ માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત કચેરીના વીસીઈનો અને શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે.વ્હાલી દિકરી યોજના હેઠળ લાભાર્થી દિકરીને ૧૮ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તબક્કાવાર ૧,૧૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે. દિકરીઓને મંજૂરી હુકમ આપવામાં આવેલ છે. તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત માસિક ૧૨૫૦ રૂ. ચૂકવવામાં આવે છે. આ તમામ દિકરીઓને અને ગંગા સ્વરૂપા બહેનોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ લાભ મળે તે હેતુથી વ્હાલી દિકરી યોજનાના તમામ લાભાર્થીઓના તથા કુંટુંબના તમામ સભ્યોના આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે વિશેષ કેમ્પનુ આયોજન હાથ ધરવામાં આવશે એમાં પણ તેઓએ ઉપસ્થિત રહેવાનુ રહેશે. હાલ અમદાવાદના વ્હાલી દિકરી યોજના અને ગંગા સ્વરૂપા યોજનાના તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કઢાવવા અંગે જણાવવામાં આવે છે. એ તમામ લાભાર્થીઓના વાલીઓને તેમની દિકરીનુ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે અરજદારે પોતાનું તથા દિકરીનુ રેશનકાર્ડમાં નામ ન હોય તો અંગ્રેજીમાં ચડાવવાનુ રહેશે. તે માટે તેઓએ આધારકાર્ડ, રેશનકાર્ડ, દિકરી જન્મનો દાખલો, આવકનો દાખલો લઈ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતના વીસીઈનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે.
આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં કોઈ મુશ્કેલી જણાય તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ૯૨૨૭૮૯૯૧૫૧ પર સંપર્ક કરી શકાશે.